“ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ” યુક્તિ ને યથાર્થ ઠેરવતા મોરબીના સાહસની પરિભાષા સમાન યુવાનોએ લેહ લદાખની બાઈક ટ્રીપ પૂર્ણ કરી. ગુજરાતીઓ ફરવાના શોખીન હોય, રજાઓ કે વેકેશનમાં સમયગાળામાં પોતાની મનપસંદ જગ્યાઓ પર ફરવા જતા હોય છે. જન્માષ્ટમીની રજાઓમાં મોરબીના 17 જેટલા મિત્રોએ લેહ લદાખમાં બાઈક લઈને ફરવાનું આયોજન કર્યું. જેમાં ચાર દિવસ ત્યાં બાઈકથી ફરવાનું આયોજન હતું.
પ્રથમ દિવસે લેહથી અલચી બૌદ્ધ મીનેસ્ટરી, રસ્તામાં INDUS અને ZANSKAR નદી સંગમ, મેગ્નેટિક હિલ, પત્થર સાહિબ ગુરૂદ્વારા, વિશ્વનું સૌથી ઊંચા સ્થાન પર BPCL કંપનીનું જથ્થાબંધ પેટ્રોલિયમ સ્ટોરેજ સ્ટેશન, અને તદ્દન ભિન્ન ભિન્ન દેખાવો અને રચના વાળા સૂકા પહાડો જોવાનો આનંદ અનેરો રહ્યો. બીજા દિવસની ટ્રિપમાં પેન્ગોંગ લેક જવા માટે લેહ થી 160 કિમી દૂર જવા માટે રોયલ એનફિલ્ડ – હિમાલયન બાઈક ની સવારી સવારે 6.30થી શરૂ કરી 11.00 વાગ્યે ચાંગલા પાસ જે સમુદ્ર તટથી 17688 ફૂટ ઊંચાઈ પર આવેલ છે ત્યાં પહોંચ્યા. ત્યાંથી “પેન્ગોંગ લેક” જવા નીકળ્યા. પેન્ગોંગ લેક એ ભારતનું સૌથી ઊંચા સ્થાન પર આવેલ તળાવ છે. જ્યાં 3 idiot ફિલ્મનો ઉતરાર્ધ ભાગ ફિલ્માવવામાં આવેલ. ત્યાંનું બ્લુ કલરનું આકાશ અને એથીયે વધુ બ્લુ કલરના પાણીએ બધાના મન મોહી લીધા. ત્યાં સરસ ફોટોગ્રાફી કરીને વળતા 40 કિમી નીચે “દુરબુક” નામના સ્થળે આવ્યા જ્યાં રાતવાસો કર્યો.
ત્રીજા દિવસે વહેલી સવારે 5.00 વાગ્યે હિમાલયન બાઈક “Diskit મોનેસ્ટરી” અને “નુબ્રા વેલી” ની રાહ ભણી હંકાર્યા. “Diskit મોનેસ્ટરી” એ બૌદ્ધની સૌથી મોટી અને પ્રાચીન મોનેસ્ટરીમાંની એક છે. ત્યાં ભગવાન બુદ્ધની વિશાળ 108 ફૂટ ઊંચી પ્રતિમા પહાડ પર શોભી રહી છે. ત્યાં આસપાસ નદી તટમાં સૌથી ઉંચાઈ પર આવેલ રેતીનું રેગીસ્તાન છે. ત્યાંથી વળતા રસ્તામાં એડવેન્ચર માટેની ભારતની સૌથી ઊંચી અને લાંબી “ઝીપ લાઈન” આવેલ છે.
ત્યાંથી વળતા લેહ આવવા માટે 2023 સુધી જે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ ખારદુંગલા પાસ જે હવે વિશ્વના સૌથી ઊંચા રોડમાં દ્વિતીય સ્થાને છે. ત્યાંથી પસાર થયા. જે સમુદ્ર તટથી 17982 ફૂટ ઊંચાઈ પર છે. ગુજરાતીઓ જ્યાં હોય અને ગરબા ના હોય એવું બને….!!! ત્યાં ઓછા ઓક્સિજનની વિષમ પરિસ્થિતિમાં પણ બધાએ ગરબા રમીને આનંદ માણ્યો. આખો દિવસ સંપૂર્ણ નવા પ્રકારના રસ્તા અને કેટલીયે જગ્યાએ “ઓફ રોડ બાઈકિંગ” ની અદભુત, અતુલ્ય, અકલ્પનીય અને અવર્ણનિય મઝા….. આહા….
ચોથા દિવસે બાઈકથી જ લેહનાં 16મી સદીમાં ત્યાંના રાજા શ્રી ‘DELDAN NAMAGYAL’ દ્વારા બંધાવવામાં આવેલો “SHEY PALACE” ની મુલાકાત લીધી. Shey palace જે લેહ શહેરનું સૌથી ઊંચું સ્થળ છે ત્યાં પણ ટ્રેકિંગ કરીને બાઈક રાઇડર્સ એ પોતાની શારીરિક ક્ષમતા સિદ્ધ કરી. ત્યાંથી 3 idiots નું શૂટિંગ થયેલ “Rencho’s School” ની મુલાકાત લઈને, લેહમાં જ આવેલ “Wall of fame” કે જેમાં કારગિલ યુદ્ધની યાદો માટે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તે જોઈને ધન્યતા અનુભવી. ખરેખર આપણા દેશની સેનાના વીર જવાનો પોતાનું સર્વસ્વ છોડીને સમગ્ર દેશની કેવી બહાદુરી પૂર્વક સેવા કરે છે તે તાદૃશ્ય જોયું. આ સ્થળે યુદ્ધ દરમિયાન વપરાયેલ શસ્ત્રો, પરાજિત દેશ કે સેનાનાં કબજે કરાયેલ હથિયારો જોયા. સાંજના સમયે “લાઈટ એન્ડ સાઉન્ડ શો” નું પણ અયોજન હોય છે. અને છેલ્લે લેહ સ્થિત “શાંતિ સ્તૂપા” જોઈને હોટેલ પરત ફર્યા. આખો દિવસ સંપૂર્ણ વ્યસ્ત રહ્યો. આમ ચાર દિવસની બાઈક ટ્રીપ એકદમ મસ્ત જબરદસ્ત રહી. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે. ત્યાં ઊંચાઈનાં લીધે ઑક્સિજન લેવલ ઘટવાની અને તેના લીધે શરીરમાં થતા સામાન્ય/અસામાન્ય ફેરફાર જોવા મળે છે. પોતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી જરૂરી દવાઓ અને અન્ય ખાદ્ય સામગ્રી સાથે રાખીને ખુબજ મજેદાર એડવેન્ચર બાઈક ટ્રીપ કરી શકાય.
પાંચમા દિવસે સવારે ત્યાંથી ફ્લાઈટ મારફતે બધા મિત્રો અમદાવાદ આવવા રવાના થયા.
આ બાઈક ટ્રીપમાં બાઈક રાઇડર્સ શિક્ષકો રાજુ ગોસ્વામી, બિપીન સનાવડા, યોગેશ બારૈયા, વિજય પડસુંબિયા, સુધીર ગાંભવા, દીપક ગાંભવા, શૈલેષ કામરિયા, નિશીથ પૈજા, અશ્વિન સદાતિયા, કેતન વાછાણી, સચિન કામદાર, ભાવેશ નાયકપરા, મહેન્દ્ર પઢિયાર, ભરત ગોપાણી અને ઉદ્યોગકારો દીપક કામરિયા, નિલેશ કામરિયા, વસંત સનાવડા જોડાયેલ હતા.
આ બાઈક ટ્રીપ માટે અને તેના લેખના આલેખન માટેનાં જ્ઞાત – અજ્ઞાત પ્રેરણાસ્ત્રોત એવા સૌ લોકોનો બાઈક રાઇડર્સ ટીમ આભાર વ્યક્ત કરે છે.