અકસ્માત ઝોન એવા મોરબી માળિયા કચ્છ નેશનલ હાઇવે પર ગઈકાલે ગંંકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇકમાં જઈ રહેલા દંપતિ અને તેમના બે બાળકોને એક ટ્રક ચાલકે હડફેટે લીધા હતા આ બનાવમાં સાત વર્ષની બાળકીનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પરિવારના અન્ય સભ્યોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે માળિયા મીયાણા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા મીયાણા કાજરડાના ભોળ વતની નિઝામભાઈ મોવર તેમની પત્ની નસીમબેન નિઝામભાઈ મોવર , પુત્ર મોહમ્મદ અઝરૂદ્દીન નિઝામભાઈ મોવર અને પુત્રી નજમાબાનુ નિઝામભાઈ મોવર સહિતના બાઇકમાં તેમના સાસરિયાંના ઘરે કે જેઓ સૂરજબારી પાસેના વિસ્તાર માં રહેતા હતા ત્યાં ઇદની ઉજવણી માટે ગત તા.૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ચાર સવારીમાં જતા બાઈકને કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે માળીયાના હરીપર ગામ નજીક આવેલ રેલ્વેના બ્રીજ પાસે હડફેટે લીધું હતું.આ અકસ્માત બનાવમાં બાઇકમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી હતી જેમાં નજમાબાનું નિઝામભાઈ મોવર નામની સાત વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેથી ડેડબોડીને પીએમ માટે મોરબી લાવવામાં આવ્યુ હતુ.જ્યારે નસીમબેન નિઝામભાઈ મોવર અને ભાઈ મોહમ્મદ અઝરૂદ્દીનને ઇજાઓ થતા બંનેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયાંથી બનાવ અંગે જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ માળીયા પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે માળિયા(મિં.) પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી માળીયા પોલીસ સ્ટેશનના ગીરીશભાઈ મારૂણીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

