આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ રવિશંકર હાલ ગુજરાત યાત્રા પર છે. અને અલગ અલગ સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે ગઈકાલે દિવાળી પર્વ પહેલા પત્રકારને મળી ચર્ચા કરી હતી આ પૂર્વે ધનતેરસના શુભ દિવસે રવિશંકરની ઉપસ્થિતિમાં નિ:શુલ્ક ગુરુકુળનું ગુજરાત આશ્રમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહી ૮ વર્ષના અભ્યાસક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ વેદ, આગમ, જ્યોતિષ, સંગીત, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, સાહિત્ય, સંસ્કૃત, નાટ્યશાસ્ત્ર જેવા વિવિધ વિષયોનું અધ્યયન કરે છે, જે અભ્યાસક્રમ નિ:શુલ્ક કરાવવામાં આવે છે.
ગુરુદેવ સમગ્ર વિશ્વમાં શાંતિ, ઐક્ય તથા વિવિધ માનવીય મૂલ્યો નાં પુનરુત્થાન માટે અવિરત પ્રયાસ કરી રહ્યા છે, તેમના વસુધૈવ કુટુમ્બકમ ના અભિગમ ને અનુલક્ષીને, સમાજ ના વિવિધ વર્ગો સાથે પરિષદ અને સંવાદ, તથા વિવિધ વૈદિક પૂજા, યજ્ઞ અને સત્સંગ નું ગુજરાત આશ્રમ -વાસદ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
સર્વ ઉપસ્થિત મીડિયા મિત્રોને દિવાળી પર્વની શુભકામના આપ્યા બાદ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વોશિંગ્ટન ડીસી ખાતે વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો, જેમાં ૧૮૦ જેટલા દેશોમાંથી લાખો લોકો એ ભાગ લીધી હતો, અનેક કલાકારો દ્વારા કલા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, એક અપ્રતિમ ઉત્સવ અને હર્ષનું વાતાવરણ સર્જાયું હતું. ૪૨ વર્ષથી આર્ટ ઓફ લિવિંગ વસુધૈવ કુટુંબકમ ના સિદ્ધાંત પર કાર્ય કરી રહ્યું છે, વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન પણ આ જ ભાવનાથી કરવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું કે વ્યક્તિ પ્રસન્ન રહે એ સૌથી અગત્યનું છે. દિવાળીના પર્વે આપણે પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેવાનો સંકલ્પ લઈએ. માત્ર આર્થિક પ્રગતિ અગત્યની નથી. માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ, આર્થિક પ્રગતિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આધ્યાત્મિક પ્રગતિ વગર માત્ર આર્થિક પ્રગતિનો કોઈ લાભ નથી. આજે અમેરિકામાં હિંસાનું પ્રમાણ ખૂબ વધારે છે. અને પ્રતિ ૩ વ્યક્તિમાં થી ૧ વ્યક્તિ માનસિક રોગ થી પીડાય છે. ભારતમાં આ ન થવું જોઈએ.

વિશ્વમાં અત્યારે જે પરિસ્થિતિ છે, તેને શું ત્રીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, તેમ કહી શકાય? તે પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે હા, વિશ્વ અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અંદરખાને જે ચાલી રહ્યું છે તે બહાર દેખાઈ નથી રહ્યું, અને તેની અસર સમગ્ર વિશ્વમાં પડે છે. અગત્યનું છે કે વ્યક્તિ પોતાની પ્રામાણિકતા જાળવી રાખે, પ્રયત્ન અને પ્રાર્થના બંને આવશ્યક છે. પ્રાર્થનામાં ખૂબ બળ છે. દૈવી શક્તિ પર વિશ્વાસ અને પ્રાર્થનપૂર્ણ અભિગમ વિકટ પરિસ્થિતિને નિવારી શકે છે. તે જ રીતે રામ મંદિર નિર્માણ અંગેનાં પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે રામ મંદિરનાં નિર્માણમાં ઘણાં બધા લોકોનું યોગદાન છે. ભારતવાસીઓ નું સ્વપ્ન સાકાર થયું છે. સરકારને આ માટે તેમણે અભિનંદન પાઠવતાં એ પણ જણાવ્યું કે ૩૭૦ કલમ નાબૂદ થવાથી કેટલી રાહત થઈ છે તે તો આપ કાશ્મીરીઓને પૂછો ત્યારે ખ્યાલ આવશે. દેશમાં જ્યાં જ્યાં આગ લાગે છે(સમસ્યાના સ્વરૂપમાં) ત્યાં ત્યાં આગ બુઝાવવાનું પ્રશંસનીય કાર્ય સરકાર કરી રહી છે. આજ અનુસંધાનમાં કોમન એક્ટ હોવો કેટલું આવશ્યક છે તેનો ઉત્તર આપતાં શ્રી શ્રી એ જણાવ્યું કે અલગ અલગ નિયમોને બદલે એક કોમન એક્ટ હોય તે ખૂબ આવશ્યક છે. એક બુદ્ધિમાન વ્યક્તિ આનું જ સમર્થન કરશે.
યુવાનોને વૈદિક સંસ્કૃતિ સાથે કઈ રીતે જોડી શકાય તે પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક અભિગમથી જ યુવાનોને વૈદિક સંસ્કૃતિ તરફ વાળી શકાશે. આપણાં ધાર્મિક સ્થળોમાં શુદ્ધતા, શૌચતા અને સૌજન્યતા હોય તે ખૂબ આવશ્યક છે. તેનાંથી યુવાનો આકર્ષિત થશે અને આ સ્થળો પર શાંતિ પામશે. અહી તેમણે ગુજરાતની નવરાત્રી પ્રથા અને ગરબાની સંસ્કૃતિને વધાવતાં કહ્યું કે ગુજરાતની આ સંસ્કૃતિ અનોખી છે, જ્યાં માત્ર મહિલાઓ જ નહીં, યુવકો-પુરુષો પણ નૃત્ય કરે છે. આ ખૂબ સુંદર પાસું છે.
યુવાનોમાં હ્રદયરોગનું વધતું પ્રમાણ, હ્રદય બંધ પડી જવાથી થતાં યુવા મૃત્યુને સુદર્શન ક્રિયા અને ધ્યાન દ્વારા નિવારી શકાય તે પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે યોગ, ધ્યાન, પ્રાણાયામ તથા સુદર્શન ક્રિયા દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. હેયમ દૂ:ખમ અનાગતમ- અર્થાત દૂ:ખ આવે એ પહેલાં જ તેનું નિવારણ થઈ જાય તે યોગનો હેતુ છે. માત્ર જિમમાં જવાથી પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું નથી. યોગ ખૂબ આવશ્યક છે. ધ્યાન કરનાર વ્યક્તિ હમેશા હોશમાં રહે છે, સજગ રહે છે. તે જ રીતે, વ્યક્તિ આજે ખોવાઈ ગયો છે, બહાર તો મળે છે પણ પોતાની જાતને, સ્વયંને મળતો નથી- આનાં નિવારણ માટે શું કરવું જોઈએ, તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે પોતાની જાતને મળવા માટે, કેન્દ્રિત થવા માટે આ ત્રણ -ગાન, ધ્યાન અને જ્ઞાન નું જીવનમાં હોવું આવશ્યક છે. મારાં જીવનનો ઉદ્દેશ્ય શું છે તે વિષે વિચાર કરવો અને કરુણા, ઉત્સાહ જેવાં ગુણોનું સિંચન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. ગાન, ધ્યાન અને જ્ઞાન નો પ્રત્યેક મનુષ્યએ જીવનમાં ઉપયોગ કરવો જોઈએ, તેનાથી જીવન ઉત્સાહપૂર્ણ બની રહે છે.

