આજના મોબાઈલ યુગ ના કારણે લોકોમાં વાંચનનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે.યુવાનો હોય કે બાળકો તમામ પોતાનો મોટાં ભાગનો સમય મોબાઈલ ના વિડિયો જોવા, રિલ્સ બનાવવા અને સોશ્યલ મીડિયા માં ફેમસ થવા માટે બગાડી રહ્યા છે . મોબાઈલના વધુ પડતાં ઉપયોગના કારણે એક તરફ બાળકો અને યુવાનોમાં આંખો અને માનસિક બીમારી નું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ વાંચનનું પ્રમાણ ઘટવાના કારણે બાળકોમાં શિક્ષણ સિવાય બીજા બાહ્ય જ્ઞાન ઘટી રહ્યું છે આવા સમયમાં જો બાળકોને શૈક્ષણિક અભ્યાસ ક્રમ સિવાય વાર્તા કવિતાઓ , શિસ્ટ સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા બીજા વિષય નું વાંચન વધારવાના પ્રયાસો થાય તે જરૂરી છે અને આ કામ શિક્ષકો સારી રીતે કરી શકે છે તેમાં શંકાને સ્થાન નથી
મોરબીના આવા જ એક શિક્ષકે આં પ્રયાસ હાથ ધર્યો છે. મોરબીના શાપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ કાલરીયાએ બાળકોને વાંચન તરફ વળવા જહેમત ઊઠાવી હતી છે. માનવના જીવન ઘડતરમાં સારા પુસ્તકોનો મોટો ફાળો હોય શાળાના વિદ્યાર્થીઓ નાનપણથી જ પુસ્તકો વાંચવા પ્રેરાય તે માટે શાળાના ગ્રાઉન્ડને જ તેઓએ પુસ્તકાલય બનાવી દીધું છે. શાળાના ગ્રાઉન્ડમાં ખુલ્લા આકાશ નીચે વૃક્ષોનું નયનરમ્ય વાતાવરણ હોય પુસ્તકો વાંચવા માટે આનાથી ઉમદા સ્થળ બીજું કયું હોઈ શકે. એટલે જ આ શિક્ષકે શાળાના બગીચા જેવા વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે પુસ્તકોનો મોટો ખજાનો વિધાર્થીઓને વાંચવા માટે ખુલ્લો મૂકી દીધો છે. જેમાંથી વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચે પણ છે અને ઘરે પણ વાચવા લઈ જઈ શકે છે. શિક્ષકના આ પ્રયોગથી બાળકો અને મોટેરાઓની પણ વાંચન ભૂખ જાગી છે. બાળકો સહિતના લોકો પણ પુસ્તકો વાંચે છે. આવું પુસ્તક પરબ મોરબીમાં વર્ષોથી ચાલે છે. તેમાંથી પ્રેરણા મેળવીને આ શિક્ષકે ગામની શાળામાં પણ પુસ્તકાલય ઉભું કર્યું છે.

