મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા સુઓ મોટો કેસમાં સમયાંતરે સુનવણી હાથ ધરવામાં આવે છે ત્યારે આ કેસમાં ગુરુવારે હાઇકોર્ટ દ્વારા વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી.
સુનવણીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ હોનારત મુદ્દે SITનો ફાઇનલ રિપોર્ટ ત્રણ સપ્તાહમાં કોર્ટ સમક્ષ મુકાશે. પીડિત પક્ષે જણાવ્યું હતું કે, વચગાળનો SITનો રીપોર્ટ તેમને અપાયો નથી. તે સીલ કવરમાં હતો. જ્યારે ચીફ જજે કહ્યુ હતું કે ફાઇનલ રીપોર્ટ સીલ કવરમાં નહીં રખાય તે તમામ પક્ષકારોને અપાશે.
રાજ્ય સરકારે મુખ્યમંત્રી રીલીફ ફંડમાંથી 4 લાખ રૂપિયા, પ્રધાનમંત્રીના ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને રાજ્ય સરકારે વધુ 4 લાખ રૂપિયાની સહાય એમ મળીને સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મૃતક દિઠ કરાઈ છે. ઉપરાંત મૃતક દિઠ 10 લાખ રૂપિયા ઓરેવા કંપની તરફથી ગુજરાત લીગલ એઈડ સર્વિસમાં જમા કરાવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં મૃતકોને કુલ 20 લાખ રૂપિયા વચગાળાનું વળતર અપાયું છે. ઘાયલોને 2 લાખ રૂપિયા વળતર અપાયું છે.તેમ રાજ્ય સરકાર દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો હતો
દુર્ઘટના બાદ પાલિકા સામે શું એક્શન લેવામાં આવ્યા હતા તે અંગે સરકાર ને હાઈકોર્ટ દ્વારા સવાલ પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સુપરસીડ કરાઈ છે. જેના ચીફ ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.નગરપાલિકાનો વહીવટ વહીવટ દારને સોપવામાં આવ્યો છે.તો રાજ્ય સરકારના હુકમને નગરસેવકોએ હાઇકોર્ટમાં પડકાર્યો પણ છે.
મુખ્ય ન્યાયાધીશ દ્વારા અનાથ બાળકોની સારસંભાળ વિશે પણ પૂછવામાં આવ્યું હતું જે મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, અનાથ બાળકોને નામે 50 લાખ રૂપિયા અપાયા છે. તેમના ખાધા ખોરાકી અને અભ્યાસનો પણ સરકાર ધ્યાન રાખે છે. તેમને સરકારની જુદી-જુદી સ્કીમનો લાભ પણ મળશે. ઓરેવા કંપનીઓ પણ તેમાં પોતાની રીતે ફાળો આપશે. બાળકોની સારસંભાળ મુદ્દે સરકાર એફિડેવિટ ફાઈલ કરશે.
જે તે સમયે આ મુદ્દો સુપ્રિમકોર્ટમાં પણ પહોંચ્યો હતો. જેમાં પીડિત પક્ષ તરફથી આ કેસમાં CBI તપાસની માગ કરવામાં આવી હતી. યોગ્ય સમયાંતરે સતત સુનવણીની માગ કરવામાં આવી હતી. મૃતકોને વળતરની વાત હતી. ઉપરાંત જવાબદાર એજન્સી અને લોકોની જવાબદારી ફિક્સ કરવાની વાત હતી.

