બીપરજોય વાવાઝોડાના કારણે ચાલુ વર્ષે ચોમાસું થોડું મોડું શરૂ થયું હતું જોકે જે તે સમયે સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ વાવેતર શરુ કરી દીધું હતું બાદમાં જયારે ચોમાસાનો ફરી વરસાદ થતા ખેડૂતોને તેના પાકને પિયત માટે પાણી મળતું થઇ ગયું હતું મોરબી જીલ્લામાં જૂન-જુલાઈ મહિનામાં વરસાદ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો મોરબી જીલ્લામાં જુલાઈ અને અંત સુધીમાં સરેરાશ 16 ઇંચ વરસાદ વરસી ગયો હતો જોકે ઓગસ્ટ મહિનામાં જાણે મેઘરાજા રિસાયા હોય તેમ આખા જીલ્લામાં સરેરાશ 2 ઇંચ જ પડ્યો છે. જેના કારણે જ્મીનનો ભેજ ઘટવા લાગ્યો છે પરિણામે ખેડૂતોને પિયતની જરૂરિયાત ઉભી થવા લાગી છે અને આ કારણે હાલ સવા ત્રણ લાખ હેકટરમાં વાવેતર પર ખતરો ઉભો થયો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ અગામી એક સપ્તાહ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના ન હોવાનું જાહેર કરતા ખેડૂતોના જીવ અદ્ધર થઇ ગયા છે.
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષમાં જુલાઈના અંત સુધીમાં તાલુકા કક્ષાએ વરસાદની સ્થિતિ જોઈએ તો માળિયા મિયાણા તાલુકામાં 10.5 ઇંચ,મોરબીમાં 22 ઇંચ,ટંકારામાં 20 ઇંચ,વાંકાનેરમાં 14 ઇંચ,હળવદના 16 ઇંચ વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે મોરબી જીલ્લામાં જુલાઈ મહિનામાં વરસાદ ઓછો પડે છે પરંતુ ચોમાસું મોડું શરુ થવાના કારણે મોરબી જીલ્લામાં જુલાઈ મહિનામાં વરસાદ પડ્યો હતો અને ઓગસ્ટમાં પણ વરસાદ થશે તેવી સંભાવના હતી પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેચાયો છે જેના કારણે હવે ચોમાસું પાકને પિયતનું જરૂરિયાત ઉભી થઈ છે.જો ખેડૂતોને સિંચાઈ માટે વહેલી તકે ડેમમાંથી સિંચાઈનું પાણી નહી મળે તો પાકની વૃધ્ધી અટકી શકે છે અને તેની પ્રતિકુળ અસર થવાની પણ સંભાવના છે.
હજુ એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નહી
મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સીસ્ટમ સક્રિય નથી જેના કારણે એક સપ્તાહ સુધી કોઈ પણ સ્થળે વરસાદ થવાની સંભાવના નથી કેટલાક જીલ્લામાં છુટા છવાયા ઝાપટા થવાની સંભાવના જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના મોસમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે મોરબી જીલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાથી ગરમીનું જોર વધશે અને જીલ્લામાં મહતમ તાપમાન 35 થી 36 ડીગ્રી સુધી જવાની સંભાવના છે

