દેશને સ્વતંત્રતા અપાવનાર લડવૈયા તેમજ દેશ માટે અનેક બલિદાન આપનાર દેશના ઘડવૈયાઓના સન્માન માટે તેમજ દેશના દરેક વીરોને વંદન કરી માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવવાના એક આદર્શ ઉદ્દેશ્ય સાથે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકાર સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાન ઉજવવા જઈ રહી છે. જે અન્વયે 9 થી 30 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી સમગ્ર રાષ્ટ્ર દેશ ભક્તિના રંગે રંગાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્ય આ મહાઅભિયાનમાં સહભાગી બની વીરોને યાદ કરી તેમની યશગાથા સાથે ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવમાં આવશે. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ આ અભિયાનની રંગેચંગે અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. ઉમંગ અને ઉલ્લાસ સાથે મોરબીનું ગામેગામ આ અભિયાનમાં સહભાગી બની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવવા તત્પર છે.‘માટીને નમન વીરોને વંદન’ કરવાના એક ઋણ સાથે આ કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આગામી 10 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાની તમામ કુલ 362 ગ્રામ પંચાયતો એટલે 375 ગામો ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે.

