મોરબી માળિયા નેશનલ હાઇવે પર આવેલા સોખડા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને ગામના જ એક શખ્સે તું અરજીઓ કરવાનું બંધ કરી દે કહી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી
મોરબી તાલુકાના સોખડા ગામની ગ્રામ પંચાયતના સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણાને તેમના જ ગામના કિશોરભાઈ દેવદાનભાઈ બાલાસરાએ તું વારંવાર કેમ અરજીઓ કરે છે કહી ગાળા ગાળી કરી ઝપાઝપી કરી ઇજાઓ પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ આ મુદ્દે ગ્રામ જનો આજે એસપી કચેરી દોડી ગયાં હતાં અને જિલ્લા પોલીસ વડા તેમજ ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે સોખડા ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમભાઈ મકવાણાએ તેમની સામે એટ્રોસીટી ખોટી ફરિયાદ નોંધાવી છે.
તેઓ તેમની જાતિ વિરુદ્ધ કોઈ અપશબ્દો બોલ્યા નથી. ગામના મંદિરે જમણવાર હતો. ત્યારે રમેશભાઈ મકવાણા ત્યાં આવીને માતાજી વિરુદ્ધ અપશબ્દો બોલતા હોવાથી તેઓએ તેમને સમજાવ્યા હતા. પણ બાદ તેઓ ખેતરે જવા નીકળ્યા ત્યારે પણ આ વ્યક્તિએ રસ્તામાં ઉભા રાખી મનફાવે તેમ બોલી માથાકૂટ કરી હતી. ત્યારે પણ સમજાવ્યા હતા અને તેમની જાતિ વિરુદ્ધ તેઓએ હરફ પણ ઉચાર્યો ન હોવા છતાં ખોટી ફરિયાદ નોંધાવી છે. જેના ગ્રામજનો સાક્ષી હોવાનું જણાવીને આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી છે.

