ધારાસભ્યશ્રી આવી રીતે દેશ વિશ્વગુરુ બનશે: લ્યો શાળા નંબર-8ની મુલાકાત
ધોરણ-1 થી 5ના 125 બાળકો વચ્ચે માત્ર બે જ શિક્ષકો
હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય શિક્ષણ અને ડેવલોપમેન્ટની વિસ્તારમાં વાતો કરતા હોય છે. પરંતુ શુ ખરેખર હળવદમાં વિકાસ થઈ રહ્યો છે?. શું હળવદમાં શિક્ષણ વ્યવસ્થા યોગ્ય છે?. તો એના જવાબમાં અમે તમને જણાવીશું હળવદ શહેરની પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલી શાળા નંબર-8ની હાલત શું છે. પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલી શાળા નંબર-8માં ભણતા ભુલકાઓ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શાળા નંબર-8નું બિલ્ડીંગ જર્જરિત હોવાથી એક વર્ષ પહેલી પાડી દેવામાં આવ્યું હતું. જોકે એક વર્ષ વિતવા છતાં બિલ્ડીંગના બાંધકામના કોઈ જ એંધાણ જોવા મળતા નથી. અને છેલ્લા એક વર્ષથી બાળકો ખુલ્લામાં અને કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
જોકે કોમ્યુનિટી હોલમાં પણ માત્ર બે જ રૂમની વ્યવસ્થા છે. તેમાં પણ શાળામાં ધોરણ-1થી 5માં 125 જેટલા બાળકો અભ્યાસ કરે છે. હવે તમે જ વિચારો કે માત્ર બે રૂમમાં 125 બાળકો કેવી રીતે અભ્યાસ કરતા હશે. સાથે બાળકો માટે નથી પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની, કે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ નથી. તેમાં પણ 125 બાળકો વચ્ચે માત્ર 3 જ શિક્ષકો છે. અને હાલ માત્ર બે જ શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છે. જ્યારે એક શિક્ષક તાલિમમાં હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કરી રહી છે. પરંતુ બાળકોને ભણવા માટે યોગ્ય વ્યવસ્થા જ નથી. ત્યારે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિકાસ અને ડેવલોપમેન્ટની વાતો કરે છે. પરંતુ શું તેઓ શાળા નંબર-8ની સ્થિતિથી અજાણ છે? ધારાસભ્ય શાળાના બાળકો માટે યોગ્ય વ્યવસ્થા ક્યારે કરાવશે?. બાળકોને નવું બિલ્ડીંગ ક્યારે મળશે?