અમદાવાદ શહેરમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલના એક નિર્ણયથી વિવાદનો મધપુડો છેડાયો છે. જેમાં શાળામાં ભણતા 150 જેટલા વિદ્યાર્થીઓના રિઝલ્ટ રોકવામાં આવ્યા હોવાનું જણાવી શાળા વિરુદ્ધ સુત્રોચાર કરી પોતાનો વિરોધ ઠાલવ્યો હતો. તેમના બાળકો સ્કુલની બસમાં શાળાએ નથી આવતા પરંતુ ખાનગી વાહનમાં શાળમાં આવે છે પરિણામ અટક્વવામાં આવ્યું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યા છે તેઓ આજે શાળા એ એકઠા થયા હતા અને શાળાના તઘલખી નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, અમારા બાળકોને અમે ખાનગી વાનમાં મોકલીએ છીએ. બસમાં અમારા બાળકો આવતા નથી, જેથી અમારા બાળકોના રિઝલ્ટને રોકી રાખવામાં આવ્યા છે. આજે અમે વાલીઓ ભેગા થઈને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને મળવા દેવામાં આવ્યા નથી. સ્કૂલ તરફથી જે પેરેન્ટ્સ મિટિંગ રાખવામાં આવે છે, તેમાં પણ બોલાવવામાં આવ્યા નથી. આ અંગે એક વાલીએ જણાવ્યુ હતું કે, શાંતિ એશિયાટિક સ્કૂલમાં મારો બાળક ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. અત્યાર સુધી મારો પુત્ર ખાનગી વાનમાં જતો હતો, પરંતુ આ વર્ષથી જ સ્કૂલ દ્વારા સ્કૂલની બસમાં બાળકને મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. ફરજિયાત પણે સ્કૂલ બસમાં જ મોકલવામાં આવે તેવો તેમનો હેતુ છે અને તેના કારણોસર આશરે 150 જેટલા બાળકોના રિઝલ્ટ રોકી દેવામાં આવ્યા છે. આજે અમે સ્કૂલ મેનેજમેન્ટને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ સિક્યુરિટી દ્વારા અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
સ્કૂલ વાનનો ચાર્જ 1700 રૂપિયા છે, જ્યારે સ્કૂલ બસનો ચાર્જ 2750 રૂપિયા જેટલો છે. તેમાં પણ સ્કૂલ તરફથી જે પોઇન્ટ નક્કી કરવામાં આવે છે, ત્યાં સુધી મૂકવા જવું પડે છે. આમ ખાનગી વાનમાં જે બાળકો આવે છે, તો હવે સ્કૂલ બસમાં આવે તેવી ફરજ પાડવા માટે થઈને રિઝલ્ટ રોકવામાં આવ્યા છે. આ મામલે આજે હવે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે.