જી-૨૦ ડેલિગેટ્સનું પાઘડી પહેરાવીને કુમકુમ તિલક કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત કરાયું..
સફેદ રણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.
એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પ્રતિનિધિઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓના મંડળની સાક્ષી બનશે.પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવા જઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા.
ભુજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.