મોરબી તાલુકાના ત્રાજપર ગામમાંથી તાજેતરમાં અસ્તિત્વમાં આવેલ માળીયા વનાળીયા ગ્રામ પંચાયતમાં ગતરાત્રે લુખ્ખા તત્વોએ પંચાયત કચેરી બહાર મૂકેલા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના નામવાળા સિમેન્ટના બાંકડા તોડી નાખી તેમજ માળીયા વનાળીયા અને આસપાસના વિસ્તારોમાં લુખ્ખાઓએ ભારે તોડફોડ કરી આંતક મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તોડફોડ કરનાર લુખ્ખા તત્વો દારૂના નશામાં ચકનાચૂર હતા અને નશો કરી બેફામ બન્યા હતા બનાવ અંગે ગ્રામજનોએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવા દોડી ગયા હતા
મોરબી તાલુકાના ત્રાજપર ગામમાંથી નવી અસ્તિત્વમાં આવેલ માળિયા વનાળીયા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય અને અને પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તેમની ગ્રાન્ટમાંથી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતની ઓફિસની બહાર લોકોને બેસવા માટે છ સિમેન્ટના બાંકડા મુકવામાં આવ્યા હતા. દરમિયાન ગતરાત્રે કેટલાક લુખ્ખા તત્વોએ ભારે હંગામો મચાવી આ તમામ છ બાંકડા તોડી નાખ્યા હતા. આ વિસ્તારના અગ્રણી અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, લુખ્ખા તત્વોએ બાંકડા તોડી નાખવાની સાથે પાણીની નાંદ તેમજ બાજુમાં આવેલ રામદેવનગરમાં બગીચા અને ઉમિયાનગરમાં પણ બગીચામાં તોડફોડ કરી હતી. અમારા વિસ્તારમાં અગાઉ પણ તોડફોડ થઈ હોય અને દારૂડિયાનો ભારે ત્રાસ હોવાથી આ હરક્ત પણ નશાની હાલતમાં કરી હોવાની શંકા હોય પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠાવી છે.

