ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ૫,૬૭૦ મીટરની ઊંચાઇ દ્રોપદી કા દાંડા-૨ પર્વત ખાતે એડવાન્સ માઉન્ટેઇન ટ્રેનિંગ માટે ગયેલા પૈકી હિમસ્ખલનનો ભોગ બનેલા ગુજરાતના ટ્રેકર્સની સત્વરે બચાવ થતાં રાહત થઈ છે. આ કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરથી ઉત્તરકાશી આપદા પ્રબંધન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
ગુજરાતના કુલ ૦૬ માંથી ૦૫ ટ્રેકર્સને સહિ સલામત રીતે વિવિધ સુરક્ષા દળો દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા છે તેમ ગાંધીનગર ખાતે આજે રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું હતું.રાહત કમિશનરએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતુ કે એડવાન્સ માઉન્ટેઇન ટ્રેનિગ માટે નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ, ઉત્તરકાશી દ્વારા દ્રૌપદી કા દાંડા-૨ પર્વત ખાતે એડવાન્સ માઉન્ટેનીંગ કોર્સ તા.૦૨ થી ૦૪ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન યોજાયો હતો. જેમાં ગુજરાત સહિત ભારતના અલગ-અલગ રાજ્યમાંથી ટ્રેકર્સ જોડાયા હતા. આ પર્વત ઉપર ૫૬૭૦ મીટરની ઉંચાઇએથી ૦૪ ઓક્ટોબરના રોજ સવારે ૦૪.૦૦ કલાકે પરત ફરતા સમયે ૩૪ ટ્રેકર્સ અને ૭ ઇન્સ્ટ્રક્ટર સવારે ૦૮.૪૫ વાગે હિમસ્ખલન (એવલેન્ચ)નો ભોગ બન્યા હતા, જેમાં ગુજરાતના ૦૬ ટ્રેકર્સનો સમાવેશ થતો હતો.

