HomeGujaratટંકારાના સરાયાની જમીન બીજી પાર્ટીને વેંચવાની પેરવી કરતા હોવાની પિતા-પુત્ર સામે ફરિયાદ,SDMનો...

ટંકારાના સરાયાની જમીન બીજી પાર્ટીને વેંચવાની પેરવી કરતા હોવાની પિતા-પુત્ર સામે ફરિયાદ,SDMનો બોગસ સિક્કો પણ બનાવી લીધો

મોરબી જિલ્લામાં અવાર નવાર બોગસ દસ્તાવેજ ઉભા કરી રાતોરાત વેચી નાખવાની ઘટના બનતી હોય છે. ત્યારે આવી એક ઘટના ટંકારા પંથકમાં બની છે આં અંગે મળતી માહિતી મુજબ સરાયા ગામે આવેલી જમીનનો એક પાર્ટી સાથે સોદો કરી જમીનને બીજી પાર્ટીને વેંચવાની પેરવી કરવા ઉપરાંત મોરબી એસડીએમનો ખોટો હુકમ રજુ કરવા અંગે સરાયા ગામના જસવંતસિંહ રામસિંહ સરાન અને તેના પુત્ર રણજીતસિંહ વિરૂધ્ધ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી અને બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

રણછોડનગર શેરી નં- 29 ઉપરાંત સાધુ વાસવાણી રોડ પરના પ્લેડીયમ હાઈટ્સ બિલ્ડીંગમાં રહેતા રસીલાબેન પાંચાભાઈ ચોવટીયા (ઉ.વ. 45) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિને માલીયાસણમાં મારૂતી ફ્યુલ નામથી પેટ્રોલ પંપ છે. 2014 ની સાલમાં સરાયા ગામે રેવન્યુ સર્વે નં- 21 ની જમીન કે જે અવિભાજય શરતની ખેડવણ જમીન હતી તે ખેડુત ખાતેદાર જસવંતસિંહ પાસેથી ખરીદવાનું નક્કી કર્યું હતું. આ માટે તેના પતિ કમલેશે જસવંતસિંહ અને તેના પુત્ર રણજીતસિંહ સાથે રૂા.૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સમજુતી કરાર કર્યા હતા. જેમાં રૂા. એક કરોડ પાંચ લાખમાં સોદો થયો હતો.

આ કરાર વખતે રૂા. 15 લાખની કિંમતની એસયુવી કાર, મોરબી રોડ પરનું રૂા. 35 લાખની કિંમતનું મકાન, રૂા. 8 લાખ રોકડા, રૂા. 4 લાખ ચેકથી મળી કુલ રૂા. 62 લાખનું પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટ જસવંતસિંહ અને તેના પુત્રને રણછોડનગર ખાતેના પોતાના ઘરે કર્યું હતું. બદલામાં બંનેએ અવેજની પહોંચ અને સોંપણીનો કરાર પણ લખી આપ્યો હતો. 2017 ની સાલમાં જસવંતસિંહે જમીનનું સાટાખત એટલે કે વેંચાણ કરાર પણ કરી આપ્યું હતું. ત્યારબાદ અવાર-નવાર તેના તરફથી દસ્તાવેજ કરી આપવા માટે કહેવાતું હતું પરંતુ તેને ટાળતા રહી દિવસો પસાર કર્યા હતા.

દોઢેક વર્ષ પહેલા જસવંતસિંહ અને તેનો પુત્ર તેના રણછોડનગર સ્થિત ઘરે આવ્યા હતા. આવીને કહ્યું કે હવે તેમની જમીન જુની શરતમાં ફેરવાઈ ગઈ છે. જેથી તેનો દસ્તાવેજ કરી આપશે, તેમ કહી મોરબી એસડીએમનો હુકમ પણ બતાવ્યો હતો. તે વખતે બંનેને રૂા. 8 લાખ આપ્યા હતા. છ માસ પહેલા જસવંતસિંહનું અવસાન થયું હતું. ત્યારબાદ તેનો પુત્ર રણજીતસિંહને અવાર-નવાર દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. પરંતુ તે થોડા દિવસનું કહી ટાઈમ પાસ કરતો હતો.

આખરે તેના પતિએ જમીનને જુની શરતમાં ફેરવવાનો જે હુકમ આરોપીઓએ રજુ કર્યો હતો તે અંગે મોરબી સેવા સદનમાં જઈ તપાસ કરતા નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે રણજીતસિંહનો મોબાઈલ પર સંપર્ક કરતા કોલ રીસીવ કર્યો ન હતો. ગામમાંથી પણ મળી આવ્યો ન હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ બીજા કોઈને જમીન વેંચવાની પેરવીમાં છે. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW