પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત 70 કરતાં પણ વધારે વર્ષો બાદ ભારતની ધરતી પર ફરી ચિત્તાને વસાવવા માટે નામિબિયાથી એક વિશેષ વિમાન 8 ચિત્તાઓ સાથે મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે લેન્ડ થઈ ચુક્યું છે. ચિત્તાઓને ભારતીય વાયુસેનાના ચિનુક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં તેમને વાડાઓમાં છોડી દેવામાં આવશે.
જયપુર જવાનું હતું: પહેલા વિમાનને નામિબિયાથી રાજસ્થાનના જયપુર ખાતે લેન્ડ કરાવવાની યોજના હતી પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.વિમાને શુક્રવારે રાતે 08:30 કલાકે નામિબિયાની રાજધાની વિંડહોક ખાતેથી ઉડાન ભરી હતી અને આજે સવારે તે ગ્વાલિયરના મહારાજપુર એરપોર્ટ ખાતે લેન્ડ થયું હતું.
બાયરોડ જશે: મધ્ય પ્રદેશના મુખ્ય વન સંરક્ષક જે એસ ચૌહાણ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જરૂરી દસ્તાવેજીકરણ સહિતની તમામ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ ચિત્તાઓને 2 હેલિકોપ્ટર, એક ચિનૂક અને એક એમઆઈ શ્રેણીના હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી આશરે 165 કિમી દૂર પાલપુર ગામ ખાતે પહોંચાડવામાં આવશે. ત્યાંથી ચિત્તાઓને રોડ માર્ગે શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવશે.

