મોરબી જિલ્લામાં જાણે મેઘરાજા ખમૈયા કરવાનું નામ ન લેતા હોય તેમ શનિવારથી મેઘરાજાએ તેની તોફાની ઇનિંગ શરુ કરી છે જેના કારણે સમગ્ર મોરબી જીલ્લો જળમગ્ન થઇ ગયો છે જિલ્લામાં દિવસ દરમિયાન તડકા છાયડાવાળું વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટનો અનુભવ કરાવ્યા બાદ રાત્રીના સમયે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે વરસાદ શરુ થાય છે અને સતત એકથી બે કલાક દરમિયાન એકથી દોઢ ઇંચ વરસાદ વરસી જતો હોય છે.મોરબી જિલ્લામાં ગત 11 થી 15 એમ 5 દિવસની વાત કરીએ તો સરેરાશ 5 ઇંચ વરસાદ વરસી ગયો છે જેના પગલે મોરબી જિલ્લામાં હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ મોરબી તાલુકામાં 5 દિવસમાં 131 મીમી એટલે સવા 5 ઇંચ વરસાદ વરસી ગયો છે તો હળવદમાં સવા 4 ઇંચ, માળિયામાં 5 ઇંચ,ટંકારા પોણા ચાર ઇંચ, અને વાકાનેરમાં સાડા 4 ઇંચ વરસાદ પડી જતા જીલ્લાના મોટા ભાગના ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે સતત 5 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો પણ જણાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ચાલુ સીઝનમાં સરેરાશ 26 ઇંચ વરસાદ નોધાયો છે. તાલુકા મુજબ જોઈએ તો ટંકારામાં 29 ઇંચ,માળિયામાં 25 ઇંચ,મોરબી 34 ઇંચ,જયારે વાંકાનેર અને હળવદમાં 20-20 ઇંચ વરસાદ પડી ચુક્યો છે સમગ્ર મોરબી જિલ્લામાં આ વર્ષે સામાન્ય કરતા દોઢ ગણો વરસાદ થવાના કારણે લીલા દુષ્કાળ થવાની ભીતિ સેવાઈ રહી છે.
મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ કરતા વધુ વરસાદ પડી રહ્યો છે જેના કારણે સતત ત્રણ વર્ષથી ચોમાસું પાક નિષ્ફળ જઈ રહ્યા છે આ વર્ષે પણ ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી ભીતિ વધી છે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 196 200 હેકટરમાં કપાસ,65 200 હેક્ટરમાં મગફળી,13900 હેકટરમાં દિવેલાનું વાવેતર થયું હતું આ ઉપરાંત 1900 હેકટરમાં તુવેર,1900 હેકટરમાં અડદ,2100 હેકટરમાં તલ,1000 હેકટરમાં ગુવાર,3300 હેકટરમાં સોયાબીન,3100 હેકટરમાં શાકભાજી સહિત કુલ 3,14,300 હેકટરમાં ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરમાં મોટા પાયે પાણી ભરાઈ જતા પાક બડી ગયો છે જેના કારણે મોટા પાયે નુકશાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ખાસ કરીને મોરબી અને માળિયા તાલુકામાં ઓગસ્ટ મહિના મહિનામાં થયેલ વરસાદને પગલે મોરબી અને માળિયા તાલુકાના અનેક ગામ ખેતરમાં અનેક દિવસો સુધી પાણી ભરાયેલ રહ્યા હતા જેના કારણે ઘણા બધા ખેતરમાં છોડ નાનો હતો ત્યારે જ બડી ગયા હતા જોકે મેઘરાજા જાણે ખેડૂતો પર કોપાઈમાન થયા હોય તેમ જે તે વખતે બચી ગયેલા પાક છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડ્યો હતો તેમાં નષ્ટ થવા લાગ્યો છે તાજેતરમાં મોરબી અને માળિયા તાલુકના ખેડુત તેમજ સરપંચ એસોના હોદેદારો સરકારને મળી તાત્કાલી સર્વે કરાવી નુકશાનીનું વળતર ચુકવવા માંગણી કરી હતી સરકાર દ્વારા પણ તેમની માંગણીને ધ્યાનમાં લઇ વહેલી તકે સર્વે કરાવવાનું આશ્વાસન આપ્યું છે અમને સરકાર પ્રત્યે ખેડૂતોને પુરતું વળતર ચૂકવાય તેવી આશા છે તેમ માણેકવાડા ગામના સરપંચ બ્રિજરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
મોરબી જીલ્લામાં થયેલ ભારે વરસાદને પગલે 90 ટકાથી પણ વધુ ખેતરમાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે ખાસ કરીને મોરબી અને માળિયા પંથકના ગામડાની સ્થિતિ અત્યંત દયનીય બની છે જેથી રાજ્ય સરકાર વહેલી તકે મોરબી જિલ્લના તમામ તાલુકાને અતીવૃર્ષ્ટિગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને વળતર ચુકવે તેવી ભારતીય કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈકાલરીયાએ જણાવ્યું હતું

