જામનગર શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્ને મહાનગરપાલિકા હવે આક્રમક મૂડમાં આવી છે. જુદી જુદી ટીમની રચના કર્યા બાદ ઢોર પકડવાની કામગીરી ચાલુ કરી છે. હવેથી જાહેર રોડ પર ખાનગી માલિકોને ઢોર પકડાશે તેમજ ઢોર પકડવાની કામગીરી દરમિયાન વિક્ષેપ કરશે તેવા વ્યક્તિઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે માટે ત્રણ અધિકારીઓને કમિશનરે સત્તા આપી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા સખત ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનારી હોય તેમ જ કમિશનર દ્વારા રખડતા ઢોર મામલે હવે આકરા પગલાં ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. વિજય કુમાર ખરાડી(કમિશનર, જામનગર મહાનગરપાલિકા) કહે છે કે, રખડતા ઢોર મામલે ત્રણ અધિકારીઓને પાવર ડેલીગેટ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે જે લોકો ઢોર પકડવાની કામગીરીમાં વિક્ષેપ કરશે તેની સામે પણ ફોજદારી નોંધાવવામાં આવશે તેમજ જે ઢોરમાલિકો તેમની માલિકીના ઢોર રોડ પર છોડી દેશે તેમના પર પણ ફોજદારી કરવામાં આવશે.

