મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચાલે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 15મી નાણાંપંચની ગ્રાન્ટમાં સફાઈ સાધનો આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ ગ્રામ પંચાયતને સાધનોની ફાળવણી કરાઈ છે જેમાં મોરબી જિલ્લા પંચાયત ખાતે મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં 6 ટ્રેક્ટર તેમજ ટ્રોલી, 1 જેટિંગ મશીનનું જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે શ્રમ રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીમાં દરેક ક્ષેત્રમાં નવા પ્રકલ્પો થકી વિકાસના માર્ગે મોરબી ગુજરાત સાથે કદમ થી કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. વધુમાં મંત્રીએ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલા આ ટ્રેક્ટરનો સદુપયોગ થાય, ગામની સ્વચ્છતામાં આ ટ્રેક્ટરનો સારો એવો ઉપયોગ કરીને ગામની સુખાકારીમાં વધારો કરવામાં આવે તેવી સરપંચઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, મોરબી વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે વિકાસના માર્ગે ભરેલી હરણફાળ સાથે મોરબી જિલ્લાની વિકાસયાત્રામાં પણ સૌને સહભાગી બનવા તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ પંચાયતોને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ૩૬ લાખથી વધુના ખર્ચે ૬ ટ્રેકટર તેમજ ટ્રોલી, ૧૧.૫ લાખની કિંમતના એક જેટિંગ મશીનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા , જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, સહિતના અધિકારી તેમજ પદાધીકારી હાજર રહ્યા હતા.

