ગુજરાતના દરિયાથી 110 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સક્રીય થયું છે. લો-પ્રેશરના પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આગામી તારીખ 22 થી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરીથી મેઘરાજા જોરદાર પાણી વરસાવશે. લો પ્રેશરના પગલે સૌરાષ્ટ્રનાં તમામ બંદરો ઉપર ત્રણ નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે.
દરિયો ન ખેડવા સૂચના: માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સુચના આપી દેવાઈ છે. રાજ્યનાં હવામન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આગામી 5 દિવસોમાં ગુજરાત રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે વરસાદી માહોલ છવાયેલો રહેશે.
મેઘાવી માહોલ પણ નહિ પડે વરસાદ; પરંતુ આજથી વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ હવામાન વિભાગે જતાવી છે. રાજ્યમાં સર્જાઈ રહેલી નવી વરસાદી સિસ્ટમને લીધે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, નવસારી, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.

અરબી સમુદ્રમાં સાઈકલોન સીસ્ટમની અસર દેખાઈ રહી છે. જેના પગલે સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દ્વારકા, પીપાવાવ, જાફરાબાદ નવાબંદર, સૈયદ રાજપરા બંદર, સીમર બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરીયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને પણ દરીયાકીનારાથી દુર રહેવાની સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવાબંદરના દરીયામાં કંરટ હોવાથી ઊંચા મોજા ઉછળ્યા હતાં.

