ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ કહેવતા પંથકમાં સોમવારે પણ દિવસભર વરસાદી માહોલ જળવાઇ રહ્યો હતો. જિલ્લાના પાલીતાણામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તળાજા, મહુવા ,ઉમરાળા જેસર, ભાવનગર શહેર અને શિહોરમાં અડધો- અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
વાહનોને નુકસાન: જ્યારે વલ્લભીપુર, ઘોઘા અને ગારીયાધારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરના એમ.જી.રોડ મશહૂર જ્યુસ વાળા ખાંચામાં આવેલ એક જુનવાણી મકાન વરસાદમાં તૂટી પડયું હતું. આ બનાવમાં બે વાહનોને નુકસાન થવા પામ્યું હતું.

ઝાડ પડ્યું: જ્યારે શહેરના સરદારનગર વિસ્તારમાં લીમડાનું એક ઝાડ ધરાશાયી થયું હતું. ભાવનગર શહેરમાં દિવસ પર હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા દિવસ દરમિયાન અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન આજે 30.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા રહેવા પામ્યું હતું.

