મોરબીના શનાળા રોડ પર રહેતા આધેડે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કહેતા તેની જ પત્ની અને પુત્રએ તેને ઢોર માર માર્યો હતો જયારે વધુ એક આરોપીએ હવે તો જાનથી મારી નાખવો છે કહીને ધમકી આપતા આધેડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે પત્ની-પુત્ર સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના શનાળા રોડ પર સરદાર બાગની સામે પૂજા હોસ્પીટલની બાજુમાં ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ મહેન્દ્રભાઈ જોષી (ઉં.વ. 46) નામના આધેડ તેમના ઘરે હતા ત્યારે આધેડે તેમના પત્ની વંદનાબેનને આપણે ઘરમાં સીસીટીવી કેમરા ફિટ કરાવવા છે તેમ કહેતા રોષે ભરાઈને પત્નીએ આધેડ સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ તે સમયે તેનો પુત્ર નીલકંઠ આવી જતા પુત્ર અને પત્નીએ સાથે મળીને ગાળો ભાંડીને આધેડને લાકડાના ધોકા વડે ઢોર માર માર્યો હતો જયારે વધુ એક આરોપી શ્યામસુંદર હરીલાલ શાસ્ત્રીએ જયેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં આ બનાવ અંગે જયેશભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પત્ની અને પુત્ર સહીત કુલ ત્રણ આરોપીઓ સામે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

