જમાલપુરના ભગવાન જગન્નાથ મંદિરથી તા. 1 જુલાઈએ 145મી રથયાત્રા નીકળશે, મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રવિવારે સાંજે મંદિરની રોશનીથી અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.
તૈયારીને આખરી ઓપ: રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને કોમી એખલાસ સાથે પૂર્ણ થાય તે માટે જમાલપુરના મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજે જગન્નાથ મંદિરમાં કોમી એકતાના પ્રતીક રૂપે ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો છે.

22 વર્ષથી રથ અર્પણ થાય છે: દર વર્ષની જેમ આ વખતે પણ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી એકતા વધુ મજબુત બને તેમજ શાંતિ અને સદ્ભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ઢોલ નગારા સાથે મંદિરમાં ચાંદીનો રથ મહંત દિલીપદાસજીને આપ્યો હતો. રથયાત્રામાં વર્ષ 1993માં થયેલા તોફાનો બાદ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તેના માટે છેલ્લા 22 વર્ષથી આ ચાંદીનો રથ મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા આપવામાં આવે છે.

