ગુજરાતના જુરાસિક પાર્ક તરીકે જેની ગણના થાય છે તેવા બાલાસિનોરના રૈયાલીમાં દેશનો સૌપ્રથમ અને વિશ્વનો ત્રીજો ફોસિલ પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો છે.
પાર્ક તૈયાર: પૃથ્વી પર માનવજીવન પહેલા પણ વસવાટ કરતા ડાયનાસોર કેવા હતા તેની માહિતી આપતો મોટો પાર્ક રૈયાલીમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી જુરાસિક યુગ જીવંત કરવામાં આવ્યો છે.

પટેલે કર્યું લોકાર્પણ: ગુજરાતના મહીસાગરમાં આવેલા રૈયાલીમાં ડાયનાસોર મ્યુઝિયમનો ફેઝ-2 સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. જેની મુલાકાત લેતાં જ તમે કરોડો વર્ષ પહેલાના જુરાસિક યુગમાં આવ્યા હોવ તેવી અનુભૂતિ થશે.

શું છે અહી? કુલ 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા મ્યુઝિયમમાં ડાયનાસોર વિષે જાણકારી આપતા પોસ્ટર, વિડિયોગ્રાફી, વિવિધ કદના સ્ટેચ્યુ પૂતળા અને ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૈયાલીમાંથી જે ડાયનાસોરના ઇંડા મળી આવ્યા છે તેને પણ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. તો ડાયનાસોર વિષે માહિતી આપતી એક નાનકડી થ્રી-ડી ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજનો પ્રસંગ ભારતના પ્રાગઐતિહાસિક યુગનો જીવંત કરનારો છે. રૈયાલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગઐતિહાસિક યુગની સાક્ષી પૂરે છે.

અવશેષ મળ્યા:1980માં રૈયાલીમાં સૌપ્રથમ વખત ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. જે બાદ ભૂસ્તરીય વિભાગ દ્વારા મોટા પાયે ઉત્ખનન કરવામાં આવતા ડાયનાસોરના અન્ય ઘણા અવશેષો મળી આવ્યા. જે પૈકી અમુક અવશેષ તો સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય નથી મળ્યા.
પ્રવાસનને વેગ: ગુજરાત વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે રૈયાલીનું ડાયનોસર મ્યુઝિયમ ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

