દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી જવાના અહેવાલો વચ્ચે સરકારે તમામ રિટેલ આઉટલેટ્સ માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે પેટ્રોલ પંપ સરકારી હોય કે ખાનગી, પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ નહીં કરી શકે. આ નિયમ દૂરના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર પણ લાગુ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે.
આ કારણે સ્ટોક ખતમ થયો: વાસ્તવમાં નાયરા અને રિલાયન્સ જેવી ખાનગી કંપનીઓએ નુકસાનને કારણે તેમનો સપ્લાય બંધ કરી દીધો હતો. આના કારણે તેમના જથ્થાબંધ ખરીદદારો સરકારી પંપ પર શિફ્ટ થયા અને HPCL, IOC અને BPCL પર વધેલી માંગને પહોંચી વળવાનું દબાણ હતું. માંગમાં અચાનક વધારો થવાને કારણે ઘણા સરકારી પેટ્રોલ પંપ પર ઈંધણનો સ્ટોક ખતમ થઈ ગયો. એકલા HPCL વિશે વાત કરીએ તો, ગયા વર્ષની સરખામણીમાં એપ્રિલ-મે 2022માં માંગમાં 36% થી વધુનો વધારો થયો છે.

ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા: ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. આના કારણે IOC, BPCL અને HPCL સહિત અન્ય કંપનીઓને પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 15-25 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનને કારણે, Jio-bp અને નયારા એનર્જી જેવા ખાનગી ઇંધણ રિટેલર્સે ક્યાં તો કેટલીક જગ્યાએ ભાવ વધાર્યા અથવા વેચાણમાં ઘટાડો કર્યો.
શું કહ્યું સરકારે: બુધવારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. મંત્રાલયે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન માંગમાં ઉછાળાને પહોંચી વળવા માટે પૂરતું છે. તે જ સમયે, માંગમાં વધારો થવાનું કારણ ખાનગી કંપનીઓ દ્વારા સપ્લાય અટકાવવાનું કહેવામાં આવ્યું હતું.

