આતંકી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવાની વાત કહીને અલ કાયદાએ ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ત્યારે ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે.
મોદીના આગમન પહેલા એલર્ટ: એક દિવસ બાદ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 9 દિવસમાં બે વાર ગુજરાતના પ્રવાસે આવનારા છે. ત્યારે ગુજરાત પોલીસ તંત્ર માટે અલ કાયદાની આ ચેતવણી ચેલેન્જિંગ બની રહેશે.

10મી એ ગુજરાત મુલાકાત: અલ કાયદાની બાળકોની મદદથી આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. જેમાં બાળકોના શરીર પર વિસ્ફોટકો બાંધીને હુમલા કરવાની ચેતવણીથી દેશનુ સુરક્ષા તંત્ર હચમચી ગયુ છે. આતંકી સંગઠન અલ કાયદાએ કાયરતાની હદ વટાવીને ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરશે તેવુ કહી દીધુ છે. ત્યારે અલકાયદાની ધમકી બાદ ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ પર મૂકાયુ છે. તારીખ 10 જૂનના રોજ પીએમ મોદીનો ગુજરાતમાં પ્રવાસના કારણે પોલીસ એલર્ટ પર છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના પ્રવાસના કારણે પોલીસ એલર્ટ પર છે.

એજન્સી સક્રિય: પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડ પર છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ના રહે તેની તકેદારી રાખવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે કેન્દ્રીય એજન્સીઓ સાંજ સુધી આ મામલે એડવાઈઝરી જાહેર કરી શકે છે. પરંતુ રાજયના ગૃહ વિભાગે અગમચેતીના ભાગરૂપે તંત્રને એલર્ટ કર્યું છે.

