સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે વેશ્યાવૃત્તિ પણ એક વ્યવસાય છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ સેક્સ વર્કરોના કામમાં દખલ ન કરે. પોલીસે પુખ્ત અને સહમતિથી સેક્સ વર્ક કરતી મહિલાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટ કોરોના દરમિયાન સેક્સ વર્કરોને પડતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે સેક્સ વર્કર પણ કાયદા હેઠળ ગરિમા અને સમાન સુરક્ષાના હકદાર છે.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એએસ બોપન્નાની ખંડપીઠે સેક્સ વર્કરોના અધિકારોના રક્ષણ માટે 6 નિર્દેશો પણ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે “સેક્સ વર્કર્સ પણ દેશના નાગરિક છે. તેઓ કાયદા હેઠળ સમાન સુરક્ષા માટે પણ હકદાર છે.”
સ્ત્રી એક સેક્સ વર્કર છે તે કારણ તેના બાળકને માતાથી અલગ કરી શકાઈ નહીં. જો બાળક વેશ્યાલય અથવા સેક્સ વર્કર સાથે રહે છે, તો તે સાબિત કરતું નથી કે બાળકની હેરફેર કરવામાં આવી છે.
કોર્ટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને અપીલ કરી છે કે તેઓ સેક્સ વર્કર સાથે સંબંધિત કેસોના કવરેજ માટે માર્ગદર્શિકા જાહેર કરે, જેથી ધરપકડ, દરોડા કે અન્ય કોઈપણ અભિયાન દરમિયાન સેક્સ વર્કરની ઓળખ છતી ન થાય. કોર્ટે આ આદેશો સેક્સ વર્કરોના પુનર્વસન માટે રચાયેલી પેનલની ભલામણ પર આપ્યા છે.

