રાજ્યમાં ચૂંટણી આવતા જ નેતાઓના રાજકીય સ્ટંટો શરૂ થઈ ગયાં છે. છેલ્લા એક મહિનાથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવા મુદ્દે મહત્વનું નિવેદન કર્યું હતું. તેમજ તમામ વાતોને અફવા ગણાવી હતી.

હાર્દિક પટેલ તો છેલ્લા એક મહિનાથી કોંગ્રેસથી નારાજ હોવાનો સ્ટંટ મીડિયા સામે કરી રહ્યો છે. તેના પિતાની પુણ્યતિથી પર કોંગ્રેસના નેતાઓની સાથે ભાજપના નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું તેમાં ભાજપના નેતાઓએ શાણી રીતે કાર્યક્રમથી દૂરી બનાવી રાખી હતી. જે બાદ બીજી તરફ હાર્દિક પટેલે ટ્વીટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ શબ્દનો ઉલ્લેખ હટાવી દીધો હતો. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષનો ટ્વીટર એકાઉન્ટમાં ઉલ્લેખ હતો જેને હાર્દિકે દૂર કરી દીધો હતો. ત્યારે આ તમામ કાર્યોથી એક વાત સ્પષ્ટ થતી હતી કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે પરંતુ આ અંગે જામનગરમાં હાર્દિક પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું.

જામનગરમાં આયોજિત ભાગવત કથામાં હાર્દિક પટેલે હાજરી આપી હતી. ત્યાં તેણે જણાવ્યું હતું કે, કોંગ્રેસથી નારાજગી હોય પરંતુ સમાધાન શક્ય છે. સાથે એમ પણ જણાવ્યુ હતું કે તેઓ ભાજપમાં જોડાવાના નથી. ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. તો સોશિયલ મીડિયા પર કોંગ્રેસનો સિમ્બોલ હટાવવા અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પક્ષ મારી રાજકીય ઓળખ નથી હું માત્ર ગુજરાતી છું. કોંગ્રેસ પરિવારમાં સમસ્યા હોય તો નિરાકરણ શક્ય છે. પરિવારમાં ચોક્કસ મતભેદ હોય પણ સમાધાન શક્ય છે. કયારેક પિતાની વાત છોકરા ન સાંભળે તો પરિવારથી અલગ થાય ?

