નરેશ પટેલ રાજકીય ક્ષેત્રે સક્રિય થવાના છે એવા એંધાણ ચર્ચામાં છે. જુદા જુદા સંગઠનો અને રાજ નેતાઓ સાથે મુલાકાત બાદ રાજકારણમાં અનેક ચર્ચા થઈ રહી છે. નરેશ પટેલ ગુજરાતમાં તમામ રાજકીય નેતાઓ સાથે બેઠક કરી ચૂકયા છે. જોકે નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ એક મંચ પર જોવા મળતા વાતો થઈ રહી છે.
મે મહિનાના પ્રથમ તબક્કામાં જ નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહી એ સ્પષ્ટ થઇ જશે. જામનગરમાં ચાલી રહેલી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાના યજમાન પદે ચાલી રહેલી સપ્તાહમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા. સી.આર.પાટીલ જામનગરમાં સપ્તાહના આમંત્રણને માન આપી ખાસ હાજરી આપવા આવ્યા છે. જામનગરની ભૂમિ પર પાટીલ અને નરેશ પટેલ સાથે જોવા મળતા નવા રાજકીય સમીકરણ બની રહ્યા હોય એવી શક્યતા છે. રાજકીય લોબીમાં અનેક એવા મુદ્દા ચર્ચાય છે. છેલ્લા બે મહીનાથી ચર્ચા ચાલી રહી છે કે નરેશ પટેલ રાજનીતિમાં આવી રહ્યા છે. જોકે તે કયા પક્ષમાંથી એન્ટ્રી કરશે એ હજુ સસ્પેન્સ યથાવત છે.

રાજકીય સૂત્રો કહે છે કે, ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટા ફેરફાર થવાના છે. ખાસ કરીને રાજનીતિમાં એના પડઘા પડવાના છે. જામનગરમાં તા.1 મે થી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના મોટા કહેવાતા રાજનેતાઓ ખાસ હાજરી આપી રહ્યા છે. જેની પોથી યાત્રામાં પણ રાજકીય સમીકરણ જોવા મળ્યા હતા. જેમાં નરેશ પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર સી ફળદુ સાથે જોવા મળ્યા હતા. તો બીજી તરફ વરુણ પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના ભાજપના નેતા સાથે તેઓ એક રથમાં જોવા મળ્યા હતા. જેની ગુજરાતના રાજકારણમાં અસર જોવા મળે એવી પૂરી શક્યતા છે. પોથીયાત્રા બાદ બીજી વખત નરેશ પટેલ જામનગરમાં આવ્યા છે. મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

