રાજકોટ મનપા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના 7 એપ્રિલથી શરૂ થઈ છે. ત્યારે આ યોજનાનો લાભ 1.45 લાખ લોકોએ લીધો છે. બપોર સુધીમા મનપાને એડવાન્સ ટેક્સની 73 કરોડની આવક થવા પામી છે. જેમાં 45 કરોડ રૂપિયા તો ઓનલાઈન વેબસાઈટમાંથી જ લોકોએ ભર્યાં છે. મનપાની એડવાન્સ ટેક્સ વળતર યોજનામાં એડવાન્સ ટેક્સ ભરવાથી રૂપિયા 250નું વળતર પણ મળે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલના પહેલા મહિનામાં એડવાન્સ વેરા વળતર યોજના શરૂ થઇ હતી. કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે કોર્પોરેશને પુરૂષ અને મહિલા કરદાતાને 10 અને 15 ટકા ઉપરાંત વધુ 1-1 ટકા રાહત આપી છે. દિવ્યાંગોને 5 ટકા વળતર આપવા શાસકોએ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત દર વર્ષની જેમ રાબેતા મુજબ પ્રમાણિક કરદાતા ટેક્સ ચૂકવશે તેવો તંત્રને વિશ્વાસ હતો. પરંતુ એડવાન્સ વેરો ભરનારા લોકોની સંખ્યા બમણા સુધી વધતા તંત્રને પણ સુખદ આંચકો લાગ્યો છે.

ટેક્સ શાખાના સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે 3 મે સુધીમાં કોર્પોરેશનમાં 1.43 લાખ કરદાતાએ એડવાન્સ વેરો ભરી દીધો છે. જે સામે 72.72 કરોડની આવક થઇ છે. પુરૂષ-મહિલા-દિવ્યાંગ કેટેગરીમાં પાત્રતા મુજબ વળતર પણ આપવામાં આવી રહ્યું છે. રાજકોટના કરદાતાઓ હવે ડિજીટલ યુગમાં વધુ સ્માર્ટ બન્યા છે તે ફરી દેખાયું છે. કારણ કે કુલ 72.72 કરોડની આવકમાં 44.89 કરોડની આવક તો વેબસાઇટ પર કાર્ડના રસ્તે થઇ ગઇ છે.

વેરો ચૂકવનારા 5.20 લાખ પૈકી 1.43 લાખ નાગરિકોમાંથી 92,079 કરદાતાએ ઓનલાઇન વેરો ભર્યો છે. કચેરીએ જઇને વેરો ભરવામાં સૌથી વધુ 33,295 લોકોએ વોર્ડ ઓફિસે જઇને ટેક્સ જમા કરાવ્યો છે. બાદમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 4724 લોકોએ કર ચૂકવ્યો છે. અત્યાર સુધીમાં થયેલી કુલ આવકમાં રોકડથી 19 કરોડની આવક થઇ છે. તો 8.82 કરોડની આવક ચેક મારફત મહાપાલિકાને થઇ છે.

