RTE હેઠળ ખાનગી સ્કુલોમાં 25 ટકા બેઠકો અનામત રાખવા મુદ્દે હાઈકોર્ટે કરેલા આદેશોનું પાલન નહીં થતા ફરી આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે એક અરજદારે કન્ટેમ્પટ પીટીશન દાખલ કરતા હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. તેમજ હાઈકોર્ટે આપેલા આદેશોનુ પાલન કરાવવા માટે સરકારને પણ ચેતવણી અપાઈ હતી.

રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો અનામત રાખવા મામલે હાઇકોર્ટના આદેશનું પાલન નહી થતા કન્ટેમ્પટ પીટીશન કરાઇ છે. જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં સંદીપ મુંજાયસરા નામના અરજદારે એવી દલીલ કરી હતી કે વર્ષ 2018માં હાઇકોર્ટે ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો ગરીબ બાળકો માટે અનામત રાખવા આદેશ કર્યો હતો. પરતું તેનું સરકાર પાલન કરતી નથી. નવી સ્કુલોમાં પણ આરટીઇ હેઠળ પ્રવેશ અપાતો નથી.

ખંડપીઠે સરકારની ઝાટકણી કાઢી હતી કે તમે કોર્ટના સીધા હુકમનું પાલન કેમ નથી કરતા? જુની અને નવી સ્કૂલો એવા ભેદભાવ થોડી હોય? તમારે આરટીઇ હેઠળની જાહેરાત આપવાનો હુકમ હોય તો આપો પણ કોર્ટના હુકમનું પાલન કરો. સરકારે એવી દલીલ કરી હતી કે, તમામ ડીઇઓને તમામ ખાનગી સ્કૂલો પાસેથી આરટીઇ હેઠળની અરજીઓ મંગાવવાની સૂચના આપી દેવામાં આવી છે. નવી સ્કૂલો તેની હેઠળ આવે છે કે નહીં તે અંગે તપાસ કરવાની છે.

