સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી હતી. તો કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત્ત રહી છે. બપોરબાદ ખાંભા અને સાવરકુંડલા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે કરા વરસ્યાં હતાં. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ હવામાન વિભાગમાં પલટો જોવા મળી રહ્યો છે. અમરેલી અને ખાંભા વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પીપળીયા, ભણીયા,નાનુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી. આ ઉપરાંત સાવરકુંડલાના આદસંગ,ઘનશ્યામ નગર થોરડી સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. પરિણામે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ હતી.

અમરેલી જિલ્લાના ગીર કાંઠના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ખાંભા અને ઘનશ્યામનગરમાં પવન સાથે કરા પડ્યા છે. વરસાદને કારણે ગરમીમાં પણ રાહત નોંધાઈ રહી છે. બપોર સુધી 40 ડિગ્રીથી વધુ તાપમાન બાદ અચાનક વરસાદ પડ્યો છે. અચાનક કરા પડતા ખેતીમાં નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

