ચાણસ્મા મહેસાણા હાઈવે ઉપર કંબોઈ પાટિયા નજીક શુક્રવારે ઈકો ગાડીનું ટાયર એકાએક ફાટતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોનાં મોત થયા હતા. જોકે, ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તેમ જ આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનાએ મોકલ્યા હતા.
જાણવા મળ્યું હતું કે, મૃતકો અબિયાણાના નાઈ પરિવારના સભ્યો હતા. સાંતલપુરના અબિયાણાનો નાઈ પરિવાર પૂત્રના લગ્ન માટે અમદાવાદ ખાતે વેવાઈના ઘરે ગયો હતો. અમદાવાદથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. તો આ અકસ્માતમાં સગા ભાઈ અને નાની બાળકીનું મોત થયું હતું. આ સાથે જ 24મીએ યોજાનારા પૂત્રના લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતની આ ત્રીજી મોટી ઘટના છે. આ પહેલા ભાવનગર અને રાજકોટ હાઈવે પણ જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં રહેતા ભીખા નાઈના પૂત્રના 24 એપ્રિલે લગ્ન નક્કી થયા હતા, જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપવામાં આવી હતી. ત્યારે તેઓ પરિવાર સાથે વેવાઈને ત્યાં અમદાવાદ ગયા હતા અને ત્યાં સામાજિક રીતરિવાજ પૂર્ણ કરીને પોતાના ઘરે ઈકો ગાડીમાં આવી રહ્યા હતા. તે દરમિયાન ઈકો ગાડી કંબોઈ પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ગાડીનું પાછળનું ટાયર એકાએક ફાટતા ગાડી પલટી ગઈ હતી.
ગાડી રોડની સાઈડમાં ચોકડીઓમાં પડતા ગાડીમાં સવાર ભીખાભાઈ માલાભાઈ નાઈ, સોમાભાઈ નાઈ અને પિયા નિખીલભાઈ (ઉં. વ. 8)ને ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ટોળાએ ઈકો ગાડીમાંથી 4થી 5 જેટલા લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.

