કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા 2007માં રાજકોટની વિદ્યાનગર રોડ ઉપર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતાં. આ અંગે ધારાસભ્ય, 4 પોલીસ કર્મચારી, 3 ડોક્ટર સહિત 14 શખસો સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. એનસીપીના ધારાસભ્યને દોષિત જાહેર કરીને દોઢ વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે.

પોરબંદરમાં હત્યા કરવાના આરોપસર જે-તે સમયે રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખ્યા હતા. રાજકોટ જેલમાંથી સારવાર માટે મનહર પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ કાંધલ જાડેજાના જાપ્તા માટે રખાયેલી પોલીસ કર્મચારીઓ સાથે સાઠગાંઠ રચીને ભાગી ગયા હતા. ફરાર કાંધલ જાડેજા 2009માં મહારાષ્ટ્રમાંથી ઝડપાઇ જતાં તેને 15 દિવસની રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે રિમાન્ડની માગણી રદ કરતા પોલીસે નીચેની કોર્ટના રિમાન્ડ રદ કરવાના હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

1 માર્ચ 2005ના રોજ પોરબંદરના કાંધલ જાડેજા અને કાના જાડેજાને પૂર્વ નગરસેવક કેશુ નેભા ઓડેદરા સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં કાંધલ જાડેજા અને કાના જાડેજાએ ફાયરિંગ કરી કેશુ નેભાની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે કાંધલ જાડેજા, કાના જાડેજા સહિત 9 સામે ફરિયાદ નોંધાઇ હતી. જોકે જુલાઇ 2021માં કાના જાડેજા સહિત 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

