વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાત પર આવ્યા છે. સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આવતીકાલે તા. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરવાના છે. એ જ દિવસે લગભગ 3:30 કલાકે જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક ઔષધિ કેન્દ્રનો શિલાન્યાસ કરશે. તા.20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરવાના છે. બપોરે લગભગ 3:30 કલાકે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે. આમ ત્રણ દિવસમાં જુદા જુદા વિકાસલક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરશે.
કાફલો એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયો હતો. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન અને મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ કર્યુ હતું.

લાલપુરના ગોરધનપર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનવા જઈ રહ્યું છે. આયૂષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) બંને મળીને આ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે આ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.
The Prime Minister landed in Ahmedabad a short while ago. He was received by Governor @ADevvrat, CM @Bhupendrapbjp and other dignitaries. pic.twitter.com/yKZHPaGaxV
— PMO India (@PMOIndia) April 18, 2022
જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયા છે. શહેરના મુખ્યમાર્ગ પર વેલકમ ટુ જામનગર એવા પોસ્ટર લગાવાયા છે. જામનગરમાં જુદા જુદા સાતેક જેટલા જિલ્લાઓની પોલીસના ઉચ્ચ અધિકારીઓને જે તે જવાબદારી સોંપવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ થઈ ગયું છે. ખાસ કરીને એરપોર્ટ થઈ લઈને આરોગ્ય કેન્દ્ર સુધીના તમામ રસ્તાઓ રનવે જેવા તૈયાર કરાયા છે. સર્કિટ હાઉસમાં ટૂંકુ રોકાણ કર્યા બાદ તેઓ ગરધનપર ગામ પાસે સેન્ટર સ્થળની મુલાકાત કરશે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, જામનગર પોલીસ, ગ્રામ્ય પોલીસ, મહિલા પોલીસ સહિતની ટુકડીઓને જવાબદારી સોંપાઈ ગઈ છે. એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધી પોલીસે કાર કોન વે કાઢીને પહેલા રીહર્લસલ કર્યું હતું. આ ઉપરાંત દરેક પોઈન્ટ પર ચેકિંગ વધારી દેવાયું છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિહ્ન અંકિત કરશે. તેમ જ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત થશે.

