ગુજરાત રાજ્યમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ રાજકીય લોબીમાં ગરમાવો આવી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મતને લઈને મોટું પ્રભુત્વ ધરાવતા છોટું વસાવાએ અચાનક દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી છે. ચર્ચા એવી પણ છે કે, BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંધ બારણે ખેલ પાડી રહી છે.
નરેશ પટેલની માફક વધુ એક મોટાકદના નેતાનું અંડરટેબલ ઑપરેશન થઈ રહ્યું છે. દિલ્હીમાં છોટું વસાવા અચાનક અરવિંદ કેજરીવાલને મળતા અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. જેના કારણે ગુજરાત રાજ્યની રાજનીતિમાં ફરી કોઈ મોટી ઉથલપાથલ થાય એવા એંઘાણ દેખાઈ રહ્યા છે. આ બેઠકને રાજકીય પંડિતો અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. વાવડ એવા પણ મળ્યા છે કે, BTP અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થવા જઈ રહ્યું છે. જેનો સીધો ફટકો કોંગ્રેસને પડે એવું લાગે છે. માર્ચ મહિનામાં જ આ મોટાકદના ગણાતા નેતાને પોતાની પાર્ટીમાં આવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ સારી એવી ઓફર કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે એક બંધ બારણે બેઠક થઈ હતી. આમ આદમી પાર્ટીના રણનીતિકારો પણ છોટું વસાવાને મળ્યા હતા. આ એક અંદરખાને મોટી બેઠક હતી. તે મુલાકાત વખતે AAPના નેતા ઈસુદાન ગઢવીના નિવેદન મુજબ અમારી છોટુભાઈ વસાવા સાથે બેઠક થઈ છે અને AAPમાં લાલ જાજમ તૈયાર હોવાની પણ વાત તેઓ કરી હતી. જોકે છોટું વસાવાએ દિલ્હી જઈને અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હોવાનું જાણવા મળે છે. દિગ્ગજ આદિવાસી નેતાને પોતાના પક્ષમાં લેવા માટે બંને પાટીઓ કમરકસી રહી છે. પણ હાલમાં વસાવા કોની સાથે જોડાશે એ અંગે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. જો આમ આદમી પાર્ટી અને BTPનું ગઠબંધન થાય તો કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. કારણ કે, આદિવાસી મત ધરાવતા વિસ્તારો પર આ નેતાનું સારૂ એવું પ્રભુત્વ રહ્યું છે.
હાલ તો બંધ બારણે દિગ્ગજ કહેવાતા નેતાો દાવપેચ રમી રહ્યા છે. પણ અંતે કોણ કયુ પત્તુ ફેંકશે તો ચૂંટણી જાહેર થાય બાદ નક્કી થશે. આ આદમી પાર્ટી ગુજરાતે આ અંગે એક ટ્વિટ પણ કર્યું હતું. જેમાં છોટુ વસાવા જોવા મળ્યા છે. ચૂંટણી પહેલા જ ગુજરાતમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ બેઠક યોજવાનું શરૂ કરી દીધું છે. જેમાં જુદા જુદા જિલ્લાોમાં ચૂંટણી પ્રચારા અંગે યોજનાઓ ગોઠવાઈ રહી છે.

