માત્ર રાજકોટ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં લીંબુના ભાવ ચર્ચાનો વિષય બની રહ્યા છે. અનેક પ્રકારના મીમ્સ પણ લીંબુને લઈને સોશિયલ મીડિયા પર બની રહ્યા છે. ઈતિહાસમાં ક્યારેય ન હોય એવા ભાવ અત્યારે લીંબુના થયા છે. કોઈ પણ સ્વાદિષ્ટ રસોઈ માટે લીંબું અનિવાર્ય છે. પણ વઘી રહેલા લીંબુના ભાવને કારણે રસોઈનો સ્વાદ ફિક્કો પડી રહ્યો છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. પહેલા પેટ્રોલ ડીઝલ અને ગેસ હવે લીંબુના ભાવે ગૃહિણીઓનું ગણિત બગાડી નાંખ્યું છે.

રૂ.300થી લઈને રૂ.400 ના કિલો સુધીના લીંબુ હાલ માર્કેટમાં વેચાઈ રહ્યા છે. આટલા ઊંચા ભાવે વેચાતા શું ખરેખર ખેડૂતોને આટલા ભાવ મળે છે? આ પ્રશ્નનો જવાબ છે ના. લીંબુમાં થયેલા આ ભાવ વધારાની ખટાશ પાછળનું કારણ વચેટિયાઓનું માર્કેટ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડથી એરપોર્ટ સુઘીના વિસ્તાતરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો વચેટિયાઓની સક્રિયતા ઉઘાડી પડી હતી. આ અંગે જ્યારે જુદા જુદા વેપારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાંસપોર્ટેશનનો ખર્ચો વઘ્યો છે. પણ ખેડૂત લીંબુનું વાવેતર કરીને 80 કિમી સુધી દૂર જઈને પોતાના ખર્ચે ટ્રાંસપોર્ટ ખર્ચ ભોગવી યાર્ડમાં લીંબુ આપવા માટે આવે છે. જેમાં એક કિલોએ એને 180 રૂપિયા જ મળે છે. પણ આ જ લીંબુ માર્કેટ સુઘી પહોંચતા 300 રૂપિયા સુધી પહોંચી જાય છે. સાયલાના ખેડૂત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબું વેચવા માટે આવ્યા હતા. પછી યાર્ડમાં લીંબુની હરાજી થઈ હતી. ત્યારે 180રૂ. માંડ મળ્યા હતા. યાર્ડના હિતેષભાઇ પટેલે 1 કિલોના રૂ.180 લેખે ખેડૂત પીતાંબરભાઇને નાણાં ચૂકવી દીધા હતા. એ પછી જ્યાં બીજા વેપારીઓ વચ્ચે હરાજી થઇ ત્યાંથી માત્ર 100 ડગલાં દૂર માર્કેટિંગ યાર્ડમાં જ બેસીને લીંબુનું હોલસેલ વેચાણ કરતા ભાવમાં રૂ. 200 થઈ ગયા. એટલું જ નહીં ખરીદાઈ પણ ગયા. એ પછી દલાલે પોતાના રૂ.20નો નફો ચડાવીને લીંબુ વેચી નાંખ્યા.

હોલસેલ વેપારી કમલેશભાઇ લીંબુનો સ્ટોક લઇને પોતાના થડા પર બેઠા હતા. જ્યારે એરપોર્ટ ફાટક પાસે લારી ચલાવતા તથા શાકભાજીનો ધંધો કરતા ગોપાલભાઈ આવ્યા અને આ લીંબુ રૂ.250ના ભાવ લેખે ખરીદ્યા. આ વ્યક્તિ પાસે એક ગૃહિણી લીંબુની ખરીદી કરવા માટે આવે છે. ગોપાલભાઈએ આ લીંબુ રૂ.320ના કિલો લેખે આપ્યા. ઉનાળાની સીઝનમાં સ્ટેમિના માટે લીંબુને બેસ્ટ માનવામાં આવે છે. ગૃહિણીએ એવી પણ ચોખવટ કરી કે ભાવ વધારાને કારણે અમે દાળ અને શાકમાં લીંબુનો વપરાશ ઘટાડી દીધો છે. પણ લીબું શરબતના બદલે વરિયારીનો ઉપયોગ કરતા થયા છીએ. અન્ય એક ગૃહિણીએ એવું પણ કહ્યું કે, લીંબુ સિવાય હવે આંબલીનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. જરૂરિયાત હોવા છતા અત્યારે લીંબુના ભાવ દરેકને પોસાય એમ નથી.

