આગ ઓલવવ માટે જતી લાલ ગાડી ક્યારેય આગની ચપેટમાં આવે એવું કદી સાંભળ્યું છે ખરા? આવી જ ઘટના બની છે વડોદરા શહેરમાં. વડોદરા શહેરના અલ્કાપુરી રોડ પર આવેલી એક ખાનગી બેંકની સામેના મેઈન રોડ પર ગટરમાં ગેસ થવાથી આગ ભભુકી ગઈ હતી. જેના ઠારવા માટે ફાયરની ટીમ પહોંચી હતી. જોકે, આગ ઠારવા જતા ફાયરની ગાડી પણ આગની લપેટમાં આવી ગઈ હતી. જોકે, ટૂંક જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
વડોદરા શહેરના અલ્કાપુરી વિસ્તારમાં HDFC બેંકની સામેના મુખ્યરોડ પર બપોરના સમયે આગ લાગી હતી. જે ગટરના ઢાંકણામાંથી ઉપજી હતી. રસ્તા પર રહેલા ગટરના ઢાંકણામાંથી આગ ભભુકી હતી. જેથી ફાયરની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. પછી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો રસ્તા પર ચલાવવામાં આવ્યો હતો. પણ આગ ગેસને કારણે લાગી હોવાથી એ હવામાં પ્રસરી હતી. જેથી ગણતરીની સેકન્ડમાં આગ ઓલવવામાં માટે આવેલા લાલ બંબાને પણ ચપેટમાં લઈ લીધો હતો. ફાયરની આ ગાડીને ગટરના ઢાંકણામાંથી નીકળતી આગ નજીક ઊભી કરી દેવાઈ હતી. જ્યારે તે પાણી છાંટી રહી હતી ત્યારે ગટરના બીજા ઢાંકણામાંથી આગ ભભુકી ઊઠી હતી. પછી ફાયરની ગાડીમાં આગ લાગી હતી. આગ ઠારવા માટે જ્યારે પાણીથી ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે એમાંથી ધડાકા થઈ રહ્યા હતા. પછી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, ગટરમાં ગેસ પેદા થવાની આગ લાગવાની ઘટના વડોદરામાં નવી નથી.
ફેબુઆરી 2020માં અલકાપુરી રોડ પર જ પોલીસ કમિશનર બંગલાની સામે જ ગટરના ગેસને કારણે સાંજના સમયે ધડાકા થયા હતા. આ સાથે એકબાદ એક ગટરનાં સાત ઢાંકણાં ઊછળ્યાં હતાં. આ ઘટનામાં એક કારનો કાચ તૂટી ગયો હતો. એક કારના દરવાજો વળી ગયો હતો. ગત વર્ષે ઓગસ્ટ મહિના પણ ગટરના ગેસને કારણે વડોદરાના શિયાબાગ વિસ્તારમાં ઢાંકણામાંથી આગની જ્વાળાઓ નીકળી હતી, જેને ફાયરબ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી હતી. આમ, વડોદરામાં ગટરમાં થતા ગેસને કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, જે લોકો માટે જોખમી બની શકે છે.