HomeGujaratરાજકોટ રેન્જ ટીમનો સપાટો ! ટીકર પાસે બ્રહ્માણી નદી કાંઠેથી ગેરકાયદે રેતી...

રાજકોટ રેન્જ ટીમનો સપાટો ! ટીકર પાસે બ્રહ્માણી નદી કાંઠેથી ગેરકાયદે રેતી ખનન ઝડપાયું

મોરબી જિલ્લામાં સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકર ગામની સીમમાં આવેલી બ્રહ્માણી નદીના કાંઠે મોડી રાત્રે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન (સેન્ડ માઇનિંગ) પર રાજકોટ રેન્જની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી હિટાચી મશીન, ડમ્પર અને હોડકા સહિત કુલ રૂપિયા 80 લાખનો  મુદ્દામાલ જપ્ત કરી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવા અને કુદરતી સંપત્તિની ચોરી રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી વોચ રાખવામાં આવી રહી હતી.

દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, ટીકર ગામની સીમમાં નદી કિનારે મોટા પાયે ગેરકાયદે રેતી ચોરી થઈ રહી છે. બાતમીના આધારે રેન્જ ટીમે ત્વરિત દરોડો પાડીને ગેરકાયદે રેતી ઉપાડતા કસૂરદારોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ:

  • ડમ્પર: ૧ નંગ

  • હિટાચી (પોકલેન) મશીન: ૧ નંગ

  • રેતી ખેંચવાનું હોડકું: ૧ નંગ

  • કુલ અંદાજિત કિંમત: રૂ. ૮૦,૦૦,૦૦૦/- (એંસી લાખ રૂપિયા)

આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને સોંપાયો અહેવાલ

રેન્જ ટીમે દરોડો પાડ્યા બાદ તાત્કાલિક સ્થાનિક હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફને ઘટનાસ્થળે બોલાવી લીધો હતો. આ સાથે જ ખાણ-ખનીજ (માઇનિંગ) વિભાગના અધિકારીઓને આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી હતી. કસૂરદારો સામે કાયદેસરના દંડની વસૂલાત અને આગળની કડક કાનૂની કાર્યવાહી કરવા માટે જપ્ત કરાયેલા વાહનો, મશીનરી અને કસૂરદારોને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી પંથકના ભૂમાફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW