રાજકોટમાં સાગર ફાઉન્ડેશન તરફથી એક મોટા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વધર્મના તમામ વર વધૂઓ જોડાયા હતા. આ સમુહ લગ્નમાંથી 101 દીકરીઓએ સંસાર શરૂ કર્યો છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નવા વરવધૂને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પાટીલે કહ્યું હતું કે, દીકરીની સંખ્યા ઘટશે તો સલામતિ માટે બહેનોએ ઘરમાં અંદરથી તાળુ મારીને બેસવું પડે તેવી સ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.
તેમણે એવું પણ ઉમેર્યું કે, દીકરીના લગ્ન પ્રસંગે દહેજ આપવાની પ્રથા હતી જે ઘણા સમાજમાં હવે બંધ થઈ ગઈ છે. દીકરીના પિતાએ દહેજ આપવું પડે છે કારણ કે દીકરીની સંખ્યા જ ઘટી ગઈ છે. યુવાનોએ સારી પત્ની માટે ભણવું પડે અને સારૂ વર્તન કરવું પડે. આ સ્થિતિ સારી છે. મારો પુત્ર મને પૂછતો હોય છે કે, તમે દીકરીને ખૂબ પ્રેમ કરો છો પણ દીકરી નિસ્વાર્થભાવે પ્રેમ કરે છે. સાસુ પણ એવું જ ઈચ્છે કે, વહૂને પહેલા ખોળે દીકરી અવતરવી જોઈએ. સમાજમાં દીકરીની સંખ્યા ઘટી રહી છે. પણ દરેક સમાજ સમૂહ લગ્ન કરી રહ્યા હોવાથી માતા પિતાને ખર્ચની ચિંતા ઓછી થઈ ગઈ છે. કોઈ પણ રાજ્યમાં દીકરીની સંખ્યા ન ઘટે એ માટે વડાપ્રધાન મોદી પણ ચિંતા વ્યક્ત કરતા હોય છે. શિક્ષણનું પ્રમાણ ન ઘટે તે માટે યોજનાઓ બનાવી છે. આ દીકરીઓની સંખ્યા ઘટે છે એમાં કારણો છે કે, દીકરીઓના લગ્ન વખતે ખર્ચ થાય તેની વ્યવસ્થા ન થાય તો તેની ચિંતા સતાવે છે. આ માટે સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ પણ વડાપ્રધાને મોદીએ જાહેર કરી છે. દીકરાના પિતા દેવાદાર અને ઘર કે જમીન વેચવી પડતી નથી કારણ કે સમૂહ લગ્ન થઈ રહ્યા છે.

પાટીલે ઉમેર્યું કે, સમાજ એની જવાબદારી ઉપાડી લે. દીકરીના રંગેચંગ લગ્ન કરાવે છે. રાજકોટ ભાજપના કોર્પોરેટર જૈમિનભાઇના ગ્રૂપે 101 દીકરીના સમૂહ લગ્ન કરાવ્યા છે. જ્યારે રાજકોટ એરપોર્ટ પર પાટીલ આવ્યા ત્યારે રાજકોટના મેયર તથા શહેર ભાજપ પ્રમુખને સ્વાગત માટે આવવાની સૂચના હતી. પણ જૂનાગઢના સાંસદ રાજશે ચુડાસમાને જોઈ બોલ્યા કે, બધાને શા માટે બોલાવ્યા. પછી ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ખુલાસો કર્યો. સામાન્ય રીતે સી.આર. પાટીલને એરપોર્ટ પર રિસીવ કરવા નેતાઓ પડાપડી કરતા હોય છે. ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા, મંત્રી અરવિંદ રૈયાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પણ ચર્ચા એ વાતની છે કે, શા માટે પાટીલે આ પ્રકારની સૂચના આપી કે, બધાને શા માટે? આ અંગે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.

