ટંકારા તાલુકાના એકખેડૂતને સિંચાઇ પાણી ચોરીના નામે મોરબીના સિંચાઇ વિભાગના ક્લાર્કે ખોટી રીતે રૂ.6000નો દંડ ફટકારવાની ધમકી આપી હતી જોકે તેં દંડના બદલે તેની પાસેથી રૂ. 4 હજારની લાંચની માંગણી કરી હતી.જે બાદ એસીબીએ છટકું ગોઠવી આ ક્લાર્કને રૂ.4000ની લાંચ લેતાં ઝડપી લીધા હતા અને તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના એક ખેડૂતે મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતુ સીંચાઇનું પાણી મેળવવા તેમની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરેલ ન હોઈ તેમજ સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હોવા છતા મોરબી સિંચાઇ પેટા વિભાગ- મચ્છુ-2ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના ક્લાર્ક જગદિશભાઇ જેઠાલાલ દવેએ ફરીયાદીખેડૂતને અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરેલ છે. જે અંગે તમને કાયદેસર દંડ થઈ શકે તેમ જણાવી દબાવવા પ્રયાસ કર્યો હતો સાથે સાથે જો દંડ ન ભરવો હોય તો રૂા.6000/- વહીવટ થાય, પણ તમે ખાલી રૂા.4000/- આપી દેજો તેમ કહી ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.
ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કરતા ફરીયાદ આધારે ટ્રેપીંગ અધિકારી તરીકે એસીબી પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને સુપરવિઝન અધિકારી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ અને ટીમ દ્વારા છટકું ગોઠવ્યું હતું.લાંચના છટકા દરમ્યાન આરોપીએ ખેડૂત સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી ટંકારાના ધૂનડા ગામે ખેડૂત પાસેથી લાંચની રૂા.4000/- ની રકમ સ્વીકારી હતી. આ વેળાએ એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.

