પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ઉપર છે. આગામી બીજી એપ્રીલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદના બાપુનગરમાં રોડ શો કરશે. ગુજરાત આપ દ્વારા બંને નાતાઓના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ 4 કિલોમીટર લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં આપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.

આમ આદમી પાર્ટી દ્વારા નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવાના છે. બંને નેતાઓ 2 એપ્રિલે સવારે તેઓ ગુજરાત આવશે અને આપના નેતાઓ સાથે બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે પૂર્વ વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી બાપુનગર ખોડિયાર મંદિર, બાપુનગર ચાર રસ્તા, ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપા નગર એપ્રોચ, ટોરેન્ટ પાવર સ્ટેશન, પંચમ મોલ થઈ અને નિકોલ ખોડીયાર મંદિર પાસે રોડ શો પૂરો થશે.

બન્ને મુખ્યમંત્રીઓના આ સંભવિત કાર્યક્રમને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ પરમિશન મળી ગયા બાદ આમ આદમી પાર્ટી રોડ શોની ભવ્ય તૈયારીઓ કરશે. ચાર કિલોમીટરના આ રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાવાના છે અને આપનું શક્તિપ્રદર્શન યોજાવાનું છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની પણ આમ આદમી પાર્ટીના આ રોડ શો પર નજર રહેશે.

