અંબાજીમાં મા અંબાના મુળ સ્થાન ગબ્બર ફરતે નિર્માણ પામેલા એકાવન શક્તિપીઠમાં આગામી તા. 8થી 10 એપ્રીલ સુધી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ મહોત્સવમાં હજારો માઈભક્તો ઉમટશે. જેમાં રાજ્યના આનંદ ગરબા મંડળ, ભજનીક મંડળો, ભાદરવી પૂનમ દરમયાન આવતા સંઘોના અગ્રણીઓ, ભૂદેવો સહિતના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. ગબ્બરના એકાવન શક્તિપીઠમાં યોજાનારા આ મહોત્સવમાં ત્રિ–દિવસીય મહાયજ્ઞ ઉપરાંત ગબ્બરમાં બની રહેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ, અંબાજીમાં એકાવન શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ, યાત્રાધામ કોટેશ્વરમાં વિકાસકામો તેમજ ગબ્બર ફરતેના એકાવન શક્તિપીઠોમાં યજ્ઞો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ગબ્બરથી જ્યોત લાવી તમામ સંકુલોની જ્યોતમાં ભેળવી પૂજા-મહાપૂજાનું આયોજન હાથ ધરાયું છે.

અંબાજીમાં યોજાનારા ત્રિ-દિવસીય મહોત્સવમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મહોત્સવ દરમયાન યાત્રિકોને કોઈ હાલાકી વેઠવી પડે નહીં તે માટે માઈક્રોપ્લાનીંગ કરાઈ રહ્યું છે. તેમજ ગબ્બર ગેટથી ગબ્બર કાર્યાલય અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધીના ગેરકાયદે દબાણો દુર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

