રાજકોટ શહેરમાં ગમે ત્યાં પિઝા ખાતા હોવ તો ચેતજો. એટલું જ નહીં પિઝાની જાણીતી આઉટલેટમાં પણ પિઝા ખાવા જતા પહેલા એક વખત વિચારજો. કારણ કે, સોરઠીયાવાડીના વિલિયમ જોન્સ પિઝામાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા છ કિલો વાસી અને કાચી સામગ્રી મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો છે. આ આઉટલેટને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓને એક ફરિયાદ મળ હતી. 80 ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા વિલિયમ જોન્સ પિઝામાં અચાનક ચેકિંગ કરવામાં આવતા પોલ ખુલી ગઈ હતી.

સામાન્ય રીતે રાજકોટમાં લોકો બ્રાંડ પર એક ભરોસો વ્યક્ત કરીને સારા ફૂડ મળવાની આશાએ જમવા માટે જતા હોય છે. પરંતુ, હવે બ્રાંડેડ ફૂડ પણ રાજકોટમાં હેલ્ધી નથી. ઉનાળો શરૂ થતા જ તંત્રની આરોગ્યની ટીમ એક્શન મોડ પર આવી ગઈ છે. રાજકોટ શહેરમાં આવેલા જુદા જુદા વિસ્તારમાં મંડપ નીચે ખુલેલા મસાલાના વેચાણમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉનાળાની સિઝન સાથે મસાલાની સિઝન પણ શરૂ થાય છે. કોર્પોરેશનની ફૂડ શાખાએ રાજય સરકારે ફાળવેલી ખાસ સેફટી ઓન વ્હીકલ વાન સાથે નાના મવા વિસ્તારમાં ચેકિંગ ચાલું કર્યું હતું. જુદા જુદા 31 સ્ટોલમાં 55 નમુનાનું પરીક્ષણ કરી મસાલા ખાવા લાયક છે કે નહીં એની તપાસ કરી છે. રાજકોટના વિસ્તાર એવા રામનાથપરા તથા સંતકબીર રોડ પર આવેલા ઠંડાપીણાંનું વેંચાણ કરતાં કુલ 19 વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 25 નમૂનાઓ તપાસ્યા બાદ પગલાં લેવાયા હતા. જ્યા PH વેલ્યુની ચકાસણી કરવામાં આવી હતી.

ખાદ્ય ચીજોના જાળવણી, સંગ્રહ, હાઇજીનીક કંડીશન જાળવવા અંગે ઘણા બધા એકમોનો નોટિસ ફટકારી છે. ખાસ કરીને જ્યાં મોટી સંખ્યમાં લોકો વીકએન્ડમાં સાંજે જમવા માટે આવે છે એ તમામ જાણીતી દુકાનોમાં અધિકારીએ દરોડા પાડીને તપાસ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શ્રીરામ મસાલા માર્કેટ તથા ઉમિયાજી મસાલા માર્કેટમાં ધંધો કરતા 31 જુદા જુદા વેપારીઓના માલની તપાસ કરી હતી. જેઓ નાના મવા વિસ્તારમાં ધંધો કરતા હતા. સ્થળ ચકાસણી સાથે કુલ 55 સેમ્પલ લેવાયા હતા.

