પટેલ અનામત સમયે થયેલા કેસ પાછા ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે એક નવી રણનીતિ લઈને પત્રકાર પરિષદ સંબોધી છે. તા23 માર્ચ પહેલા પાટીદાર પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ફરીથી પાટીદાર આંદોલન થશે. જોકે, હવે આ મામલે હાર્દિક પટેલે પટેલ સમાજના મોટા આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પેટલને એક પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે નરેશ પટેલને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, પટેલ સમાજના હજારો યુવાનો સરકારની ખોટી તાનાશાહીનો ભોગ બન્યા છે. હું આપને રાજકારણમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે પત્ર લખી રહ્યો છું.
હાર્દિક પટેલના આ પત્રને લઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, હજુ હમણા જ મને પત્રની જાણ થઈ છે હાર્દિકભાઈ સાથે વાત કરવાની હજુ બાકી છે. પત્રનું માધ્યમ અંગે મને કોઈ ખ્યાલ નથી. એક વખત વાત થયા બાદ હું પત્ર અંગે કહી શકું. જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત કરે છે ત્યારે ખોડલધામ ક્યારેય કોઈ રાજકીય પ્લેટફોર્મ નહીં બને. રાજકારણમાં જોડાવું એ મારો અંગત નિર્ણય રહેશે. ચૂંટણી નજીક આવતી હોય ત્યારે રાજકારણમાં જોડાવાનો યોગ્ય અંગે કોઈ ચોખવટ કરી નથી. પણ આવનારા સમયમાં તેઓ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. નરેશ પટેલે ઉમેર્યું કે, લોકોને જે બોલવું હોય એ બોલે, તેઓ બોલી શકે છે. પણ મારી પારી આવી કોઈ વાત નથી આવી. ભાજપ તરફથી એવું પણ નિવેદન અપાયું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન નહીં મળતા તેઓ નરેશ પટેલની મદદ માંગી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સુત્રો એવું કહે છે કે, નરેશ પટેલ જે કોઈ રાજકીય પાર્ટીમાં જાય એને ફાયદો થાય એમ છે.
હાર્દિકે શું લખ્યું છે પત્રમાં
હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે. આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે. કારણ એ પણ છે કે સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગયો છે.સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે. પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માગણીઓ સંતોષવામાં આવતી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.
આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા માટે અપીલ કરું છું. 2015થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે, તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજે પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે. પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે. હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં, પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ પત્ર લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યનાં હિત અને અસ્તિત્વની લડાઈના શ્રીગણેશ કરો.

હાર્દિક પટેલે કેસ પાછા ખેંચવા માટે સરકારને એક અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જો તા.23 માર્ચ પહેલા પાટીદાર સામેના કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ફરીથી આંદોલન થશે. એક લાંબા સમય પછી હું સરકારને વાત પહોંચાડવા માંગુ છું. સરકારને વિનંતી છએ કે ચેતવણી જે સમજવું હોય એ સમજે. કોઈ નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ વાત કહેવા માગું છું. આ આંદોલન માત્ર પાટીદાર સમાજનું ન હતું. તમામ સમાજના લોકોને આ આંદોલનના લાભ મળ્યા છે. આનંદીબેન પટેલે માર્ચ 2017 પછી કેસ પાછા ખેંચવા માટે વાત સમાજના અગ્રણીઓ સાથે કરી હતી. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે 140 કેસ પાછા ખેંચ્યા હતા. હાર્દિક પટેલે ઉમેર્યું કે, અનેક સમાજના લોકોને આનાથી લાભ થયો. OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો. અમારી લડાઈ તો સત્યના માર્ગે હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાટીદાર પોલિટિક્સ કરવા માગે છે.
જેના પર કેસ થયા તેઓ વિદેશ જઈ શકતા નથી. સરકારી નોકરી મળતી નથી. મારા પરના કેસ પાછા ન ખેંચો તો હું ચૂંટણી નહીં લડી શકું. ચૂંટણી આવે છે એટલે આ ચર્ચા નથી કરી. તા.23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય લે અન્યથા આંદોલન માટે તૈયાર રહે. સરકારે તો ડરાવવા અને ધમકાવવા માટેના પ્રયાસ કર્યા છે. પોલીસ સારી હોય તો રાજકોટના કેસ તપાસ કરો. હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપીને પણ આંદોલન કરી શકું. કોઈ સરકારથી ડરતો નથી.

