રાજ્યમાં રવિવારે પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાવાની છે. રાજ્યના 312 પરીક્ષા કેન્દ્ર ઉપર યોજાનારી આ પરીક્ષામાં 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ થાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરેક વર્ગખંડમાં જામર મુકવામાં આવશે.

આ અંગે પીએસઆઈ ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શિક્ષકોને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ માટે એક 75 પન્નાની ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં વર્ગખંડ નિરીક્ષકની શી જવાબદારી છે, બોર્ડની શી જવાબદારી છે, કેન્દ્ર સંચાલકની શી જવાબદારી છે, દરેક કેન્દ્ર પર પોલીસ મૂકવામાં આવશે. મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ માટે અમદાવાદ શહેરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કમિશનરે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય એ માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્સ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. એ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

