યુક્રેન ઉપર હુમલા બાદ રશિયાને ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાંથી અલગ કરી દેવાયું છે. તેના કારણે કંપનીઓ અને ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટ્યુટને ઘણી તકલીફો પડી રહી છે. જેના કારણે રશિયામાં ઘણા રૂપિયા ફસાયા છે. ભારતીય બેંકોનું જોઈએ તો સરકારી ક્ષેત્રની એસબીઆઈ બેંક ઉપર પણ તેની અસર પડી છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, રશિયામાં એસબીઆઈના 10 મિલિયન ડોલર એટલે કે 75 કરોડ રૂપિયા ફસાયા છે. સિનિયર બેંકર્સનું માનવું છે કે તેમાં ઘણી રકમની રિકવરીની સંભાવના સેવાઈ રહી છે.

એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે એસબીઆઈનું એક્સોપોઝર ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલું છે. રશિયાની કંપનીઓની સાથે ટ્રાન્ઝેક્શન ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ રિઝર્વ બેંક તેનું સમાધાન મેળવવામાં લાગી ગઈ છે કે કેવી રીતે ફસાયેલા રૂપિયા રિકવર કરી શકાય. તેના માટે સેન્ટ્રલ બેંક તમામ બેંકો પાસેથી માહિતી મેળવી રહી છે. એક વખત ફિડબેક મળ્યાં બાદ આરબીઆઈ આ મુદ્દે એક્શન પ્લાનની જલ્દી જાહેરાત કરી શકે છે.

બેંકર્સના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધ લગાવ્યા બાદ સંબંધિત બેકો અને નાણાકીય સંસ્થાઓએ પોતાના સ્વિફ્ટ ઓપરેશન બંધ કરવા માટે 10 દિવસનો સમય મળશે. સામાન્ય રીતે પ્રતિબંધ લાગ્યાની સ્થિતિમાં હોય છે ત્યારે જે ટ્રાન્ઝેક્શન પહેલાથી જ પ્રોસેસ થઈ ગયા છે તે પૂર્ણ થઈ જાય છે. પ્રતિબંધ લાગ્યા બાદ નવા ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકાતું નથી. આ પ્રકારની છુટ ત્યારે જ દેવામાં આવે છે જ્યારે ઈરાન ઉપર કડક પ્રતિબંધ લગાવાયો હતો. આ જ કારણે આશા સેવાઈ રહી છે કે, એસબીઆઈને પણ 10 દિવસનો સમય મળશે. સમગ્ર ટ્રાન્ઝેક્શન એક્સપોઝરને રિકવર કરી શકાશે.

