વલસાડ જિલ્લાના ધરમપુરમાં રિવરલિંક પ્રોજેક્ટને લઈને આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આ મામલે સોમવારે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જુદા જુદા આદિવાસી સંગઠનોએ સરકારના પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. શરૂઆતમાં પોલીસે રેલીના અટકાવવા માટેના પ્રયાસ કર્યા હતા. સ્થાનિકો સાથે પોલીસની બોલાચાલી અને તકરાર હોવાના પણ સમાચાર મળ્યા છે. અંતે પોલીસ સાથે સમાધાન થતાં પોલીસે રેલી માટે મંજૂરી અને સહકાર આપ્યો હતો. આસુરા ચોકડી પાસે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આજે આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠન દ્વારા સરકાર સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહીત વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પુત્ર અને શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર અને વલસાડ જિલ્લો સૌ ઉપસ્થિત રહ્યા હતા.શરૂઆતમાં પોલીસ દ્વારા રેલીમાં જતા લોકોને અટકાવવા પ્રયાસ કર્યા હતો પરંતુ કેટલીક જગ્યાએ પોલીસ સાથે સ્થાનિક લોકોની ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં આખરે પોલીસે રેલી યોજવા દીધી હતી. જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને અને કોંગ્રેસી આગેવાનોએ સભા સંબોધતા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો નારેબાજી સાથે વિરોધ કર્યો છે. આ તમામ લોકોના મતે સરકાર તરફથી પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમલ થવા જઈ રહ્યો છે. જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ થી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાર નદી પર આવેલા ચાસમાંડવા ગામ નજીક એક ડેમ તૈયાર થશે.

જે ગામના લોકોને તથા આદિવાસી પ્રજાને મંજૂર નથી. જો ડેમ બને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારોને બીજા રહેવા જવાની સ્થિતિ ઊભી થાય એમ છે. જેથી આદિવાસી સમાજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. વલસાડ પાસે આવેલા ધરમપુરના આસુરા ચોકડી પાસે આદિવાસી સમાજ તરફથી સભા પછી એક જંગી રેલી યોજાઈ હતી. જે ધરમપુરના જાહેર માર્ગો પર ફરી અને મામલતદારને આવેદનપત્ર આપી આ પ્રોજેક્ટ પર રોક મૂકવા માટે અપીલ કરી હતી. આ વિરોધ આંદોલનની આગેવાની લેનારા આદિવાસી સમાજના આગેવાન અનંત પટેલ અને અન્ય આગેવાનોએ કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ યોગ્ય નથી. સરકારના આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરી રહ્યા છે. જો સરકાર આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની નારાજગી હોવા છતાં પણ અમલમાં મૂકશે તો પછીના દિવસોમાં એનું પરિણામ ગંભીર આવશે. એવી ચિમકી પણ ઉચ્ચારી હતી.ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ વચ્ચે આ પ્રોજેક્ટ મામલે સંકલનનો મોટો અભાવ હોવાનું સામે આવ્યું છે. એમના મતે એક બાજુ કેન્દ્ર સરકાર બજેટમાં આ લિંક પ્રોજેક્ટની વાત કરે છે.. તો બીજી બાજુ ગુજરાત સરકારના મંત્રીઓ આ યોજના થવાની જ નથી. એવા બે વિરોધાભાસ ઊભા કરતા મુદ્દાઓ સામે આવ્યા છે. અનંત પટેલે આ મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓને ટાર્ગેટ કરીને એક સુત્રતા અંગે સવાલ કર્યા છે.

