ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે જમીન માપણીના વિવાદમાં કાકા ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી બેવડી હત્યાની ઘટનાના બંને આરોપીઓને ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર(છરી) અને મોટરસાયકલ પણ કબજે કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, ગત તા. ૦૯/ના રોજ બપોરના ચારેક વાગ્યાની આસપાસ મેઘપર (ઝાલા) ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા, તેમના ૨૨ વર્ષીય દીકરા હર્ષવર્ધનસિંહ અને ૪૦ વર્ષીય ભાઈ જયપાલસિંહ સાથે ગામના ખારાના માર્ગે આવેલી પોતાની વાડીએ જમીનની માપણી કરાવી રહ્યા હતા. આ સમયે બાજુની જમીન ધરાવતા મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને પણ જાણ કરીને ત્યાં બોલાવવામાં આવ્યા હતા.
જમીનની માપણી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક વિવાદ ઉગ્ર બન્યો હતો. મોટરસાયકલ પર આવેલા મહાવિરસિંહ અને તેજપાલસિંહે ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના દીકરા હર્ષવર્ધનસિંહ અને ભાઈ જયપાલસિંહ પર તીક્ષ્ણ છરી વડે આડેધળ હુમલો કરી દીધો હતો. શરીરે અનેક ઘા વાગવાના કારણે બંને લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના પગલે બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ડબલ મર્ડરની વારદાતને અંજામ આપી બંને આરોપીઓ મોટરસાયકલ પર ત્યાંથી નાસી છૂટ્યા હતા. ચકચારી આ ડબલ મર્ડરના ગુનાને પગલે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ દ્વારા તાકીદે કડક પગલાં લેવા અને આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા અને સબ ઇન્સ્પેક્ટર જે.કે.રાણાની આગેવાનીમાં પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
ટંકારા પોલીસની ટીમોએ હ્યુમન સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગત તા. 10 ના રોજ ગણતરીના કલાકોમાં જ બંને હત્યારા આરોપીઓ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને અટકાયતમાં લઈ લીધા હતા. હાલ પોલીસે બંને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી અને નાસી છૂટવા માટે ઉપયોગમાં લેવાયેલું મોટરસાયકલ કબજે કરીને જરૂરી પુરાવા એકત્ર કરવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જમીન વિવાદમાં થયેલી આ ઘાતકી બેવડી હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવામાં ટંકારા પોલીસને મોટી સફળતા મળી છે.

