ગીરના જંગલમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે લાયન શો યોજવામાં આવી રહ્યાં હોવાના અનેક વખત વીડિયો વાઈરલ થયો છે. ત્યારે મિજબાની માણી રહેલા સિંહ સાથે ફોટોશૂટ કરાવા માટે મારણ ગોઠવી રહેલા બે શખસોનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.

સોશયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો પ્રમાણે એક વીડિયોમાં સિંહ મારણ આરોગી રહ્યો છે. અને તેનાથી થોડે જ દુર બે શખસો ઉભેલા જોવા મળી રહ્યાં છે. જ્યારે અન્ય એક વીડિયોમાં બે શખસો રસ્તાની સાઈડમાં પડેલા મારણને લઈને રસ્તાની વચ્ચે મુકતા નજરે પડી રહ્યાં છે. વાઈરલ વીડિયોમાં બે શખસો રસ્તા ઉપર તો અન્ય લોકો વીડિયો બનાવતા હોવાનું દેખાઈ રહ્યું છે.

સિંહની પજવણીનો આ વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે. તેનું હાલ તો લોકેશન જાણી શકાયું નથી. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને ખુદ વનવિભાગ પણ અજાણ હોવાનું સામે આવ્યું છે. ગીર વિસ્તારના કોઈ સ્થળનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો આ સમગ્ર મુદ્દે જૂનાગઢના સીસીએફ દુષ્યંત વસાવડાએ વીડિયોની તપાસ કરીને પગલા ભરવાની વાત કરી છે.