જામનગરમાં દુકાનદારે દુબઈમાં રોકાણ કરીને તગડા વ્યાજની લાલચ આપીને અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ચર્ચા શહેરમાં થઈ રહી છે. નાણા લેનાર દુકાનદારે ચારેક મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરતા રોકાણકારોમાં દોડધામ મચી ગઈ છે.

જામનગરના લાલબંગ્લા વિસ્તારમાં ખાણીપીણીની દુકાન ધરાવતા એક દુકાનદારે 2થી 3 વર્ષ પહેલા દુબઈમાં રોકાણ કરીને 7 ટકા જેટલું તગડું વ્યાજ આપવાની લાલચ આપીને અનેક લોકો પાસેથી નાણા લીધા હતા. જેમાં તબીબો, વેપારીઓ અને વીમાક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ રૂપિયા 20થી 55 લાખ સુધીનું રોકાણ કર્યું હતું. દુકાનદારે શરૂઆતમાં રોકાણકારોને 7 ટકા વ્યાજ આપ્યું હતું. પરંતુ છેલ્લા ચાર મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરી દેતા રોકાણકારોમાં દોડધામ મચી ગઈ છે.

દુકાનદારે રોકાણકારો પાસેથી નાણા લઈને 7 ટકા જેટલું વ્યાજ આપવાની લાલચ આપીને લાખો રૂપિયા લીધા હતાં. પરંતુ આ રકમના ચેક કે અન્ય કોઈ આધાર પુરાવા હોય નહીં હોવાથી હવે રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. તો એક વીમાકંપનીના કર્મચારીઓના અડધા કરોડથી વધુ નાણા આ ઉંચા વ્યાજની લાલચમાં સલવાયા હોવાનું પણ સામે આવ્યું છે. તો શહેરના એક રહીશના પણ બે કરોડથી વધુ નાણા ફસાયા હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.

